આલ્બમ: પાંખ ફૂટી આભને
સ્વરકાર: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: બિજલ ઉપાધ્યાય, વિરાજ ઉપાધ્યાય
0:00 / 0:00
મારી હથેળીમાં ડૂબી ગ્યો દરિયો ને તરી ગયાં છે બધાં વ્હાણ,
પાણીની છાલકો એવી તો વાગી કે સપનાં થયાં છે લોહીઝાણ.
મારી તે આંખમાં સૂતેલો સૂરજ પણ,
મધરાતે એકદમ જાગ્યો;
દરિયામાં માછલીયે ડૂબી ગઈ ને પછી,
પાણીને શાપ તેનો લાગ્યો.
નદીને કાંઠે ઓલ્યા બાવળની છાંય તળે રડી રહ્યો છે એક પ્હાણ,
મારી હથેળીમાં ડૂબી ગ્યો દરિયો ને તરી ગયાં છે બધાં વ્હાણ.
પંખીએ ડાળ સાથ માથું પટક્યું ને પાછાં,
ડાળીએ દઈ દીધાં ઈંડાં;
વેદનાના આકાશે સમડી ઊડીને ભૈ,
કરે છે ગોળ ગોળ મીંડા.
નદીને કોકનો લાગ્યો છે શાપ કે એ પાણીના નામથી અજાણ,
મારી હથેળીમાં ડૂબી ગ્યો દરિયો ને તરી ગયાં છે બધાં વ્હાણ.