મિત્રો,
Happy Friendship Day to all. મૈત્રી એટલે જીવનની રાહે કોઈની સાથે ચાલતા બનેલું મજબૂત સગપણ. એવો સંબંધ જે આગળ જતાં આપણો પડછાયો બની જાય. આમ તો આજે આ અનોખાબંધનની ઉજવણીનો દિવસ. પરંતુ વાત કરવી છે આજની મિત્રતાની. શું આજે એ સગપણ એટલું જ મજબૂત રહ્યું છે? જેને આપણે આપણો પડછાયો માનીને ગર્વ લઈએ છીએ એ જીવનનાં અંધારે સાચા પડછાયાની જેમ જ સાથ છોડી ચાલ્યો જાય છે!! આજનાં આર્થિક જમાનામાં કેટલો નિર્મળ છે આ સંબંધ? મિત્રતાની વાત નીકળે એટલે કૃષ્ણ-સુદામા યાદ આવે જ. અહીં કવિએ આજના જમાનાનાં સમીકરણોથી તોલી છે આજના કૃષ્ણ-સુદામાની મૈત્રીને..
મિત્રો માપવાના નથી હોતા, પણ પામવાના હોય છે. આપણી સૌની મિત્રતા આમ જ અતૂટ રહે એવી શુભેચ્છાઓ સાથે..
પ્રસ્તાવના: અંકિત ત્રિવેદી
આલ્બમ: ગુજરાતી ડોટ કોમ
સ્વર: ચંદુ મટ્ટાણી
છેક દ્વારિકાથી દોડતા આવી સુદામાએ ઉઘાડી નાખેલી ડેલી,
ફાટેલી આંખોએ દંગ થઈ જોઈ એનાં ફળિયામાં લેક્સસ પડેલી.
ફફડતાં હૈયે જ્યાં પગ દીધો ફ્લૅટમાં ત્યાં ફાગણની કોયલ સંભળાઇ,
સોફાઓ દેખીને સૂવા એ જાય ત્યાં આંગણીયા સ્વપનો વિસરાયે,
ઓચિંતા ઝબકીને જાગી જુએ, સૂટ-બૂટ સહેત ટાઇ વિંટેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..
પંખા પલંગો કબાટોને જોઈ પછી ધીમેથી ફ્રિજને એ ખોલે,
ફ્રિજમાં કાનાને થિજેલો જોઈ ફોન ઉપાડી મોટેથી બોલે,
હાવ આર યુ કાન, જરા બિઝિ છું યાર, જો આ ઑફિસની ફાઇલો પડેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..
સનસેટ જોવાને બેઠા છે સાંજે એ ગાર્ડનનાં ઝૂલે કમ્પાઉન્ડમાં,
ફૅશનીયા છોકરાને ટોમીને લઈ હવે નીકળે છે રોજ રોજ રાઉન્ડમાં,
એના ચહેરે ગોગલ્સ, સહેજ દુખતા મસલ્સ, હોઠ વચ્ચે છે સિગરેટ નમેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..
ગોળ ગોળ ખુરશીમાં ફરતા રહી, ઓલ્યા કૃષ્ણની સમૃદ્ધિ તાગે,
વૈભવની વચ્ચે છે એવા ચકચૂર એને દ્વારિકા દરિદ્ર સાવ લાગે,
પોતીકી સાહ્યબી તો દોમ દોમ ફૂટી ને દ્વારિકાતો દરિયે ડૂબેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..