આલ્બમ: આસ્થા

સ્વર: હેમંત ચૌહાણ



સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનબાઈ!
મેલો ને અંતર કેરાં માન રે,
માન મેલીને તમે આવો મેદાનમાં,
સમજાવું સદગુરુની સાન રે …

અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે પાનબાઈ!
નહીં થાય સાચેસાચી વાત રે,
આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે
પ્રભુજી દેખાશે આપોઆપ રે …

સત્સંગ રસ તો અગમ અપાર છે પાનબાઈ!
એ તો પીવે કોઈ પીવનહાર,
તનમનની શુધ્ધિ જ્યારે ભુલશો,
ત્યારે અરસપરસ મળશે એકતાર રે …

ધડની ઉપર જેનાં શીશ મળે પાનબાઈ!
એવો ખેલ છે આ ખાંડાની ધાર રે,
એમ રે તમારું તમે શીશ ઉતારો
તો તમને રમાડું બાવન વાર રે …

હું અને મારું એ મનનું કારણ પાનબાઈ!
એ મન જ્યારે ધણી મટી જાય રે,
ગંગાસતી એમ બોલિયાં, પાનબાઈ,
હોય જો પુરવની ઓળખાણ રે …