આ મસ્ત ઘટાઓ શ્રાવણની – વેણીભાઈ પુરોહિત

સ્વરકાર: ગૌરાંગ વ્યાસ

સ્વર: સંજય ઓઝા



તનની, મનની, વન-નિર્જનની
માટી મઘમઘ મરમી મરમી,
અનુભવ થાય અગોચર-ગોચર
ભટકલ ભટકલ, ભરમી ભરમી.

ગગન ભભૂત લગાવી બેઠું
ભાંગ બદામી હજમ કરીને
મેઘ બજાવે મૃદંગ મદભર
તોડા મોડા ભરી ભરીને.

જાણે ત્રાડ પડે ત્રિભુવનમાં
અહિરાવણ મહિરાવણનીઃ
આ મસ્ત ઘટાઓ શ્રાવણની
અલમસ્ત છટા મહેરામણની.

વીજ હલેસી હીંચ ચગાવે
પવનપતાકા કામણનીઃ
આ મસ્ત ઘટાઓ શ્રાવણની
અલમસ્ત છટા મહેરામણની.

દશે દિશાઓ ઢોળે ચામર,
છાયા ભીને વાન છબીલી,
ઇન્દ્રસભા નાચે નયનોમાં
વિરહ-મિલનની મોજ રસીલીઃ

કુદરતની પીંછીથી પ્રગટી
અજબ ચમક ચિતરામણનીઃ
આ મસ્ત ઘટાઓ શ્રાવણની
અલમસ્ત છટા મહેરામણની.