નિસ્બત છે અમારે – સૈફ પાલનપુરી

આલ્બમ: કોશિશ

સ્વર: શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી



અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે, ને હસવામાં અભિનય છે.

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે?
ઘર-દીપ બુઝાવી નાખીને, નભ-દીપને રોશન કોણ કરે?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે!
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે?

જીવનની હકીકત પૂછો છો? તો મોટ સુધીની રાહ જુઓ,
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે?