મિલનની છે આ રાત કેવી મજાની – આસીમ રાંદેરી

આલ્બમ: આભાર

સ્વર: મનહર ઉધાસ



ઘડી આજ પૂરી થઈ સાધનાની
પધારી છે લીલા કૃપા થઈ ખુદાની,
મળી જિંદગીને નવી જિંદગાની,
બધે બધ મહોબત, બધે બધ યુવાની,
મિલનની છે આ રાત કેવી મજાની.

પ્રયણની મદિરા છે નયને છલકતી,
લજાઇને પાલવને વળ દઇ ખચતી,
મળી ગઇ મને એ મલકતી મલકતી,
રૂપાળી રૂપાળી સુહાની સુહાની,
મિલનની છે આ રાત કેવી મજાની.

આ શરમાળ આંખો આ મોઘમ ઇશારા,
લલાટે આ બિંદીના હસતા સિતારા,
આ મહેંદીથી રંગેલ કર પ્યારા પ્યારા
આ લ્હેરો પવનની, આ ખુશ્બુ હીનાની,
મિલનની છે આ રાત કેવી મજાની.

આ માદક અદાઓ, આ જાદુ નિગાહો,
આ ઝુલ્ફો ને મુખ જાણે રજનીની ઉષા હો,
શું અચરજ કે આસિમથી સુંદર ખતા હો,
જવાનીને લોકો કહે છે દીવાની,
મિલનની છે આ રાત કેવી મજાની.

બધી ચીજ ઉપર છવાઇ છે મસ્તી,
પ્રણયની ગુલાબી બની ગઇ છે સસ્તી,
બધે બધ દિસે છે મહોબત વરસતી,
મહોબતનિ નૌકા, મહોબત સુકાની,
મિલનની છે આ રાત કેવી મજાની.

હકીકતમાં છે આજ ઘર મારું જન્નત,
અનોખા છે દ્ર્શ્યો, અનોખી છે રંગત,
સુણાવું શું આસિમ આ મારી હકીકત,
જવાનીથી ટકરાઇ ગઇ છે જવાની,
મિલનની છે આ રાત કેવી મજાની.