સાંવરિયો – રમેશ પારેખ



સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માંગુને દઈ દે દરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
મારા વાલમનું નામ મારું નાણુ
ભર્યા જીવતરને ગુલાલ જેવું જાણ્યું
જાણ્યું રે એણે ખાલી ઘડામાં ટહુકો કરિયો
ખોબો માંગુને….

કોઈ પૂછે કે ઘર તારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું
આંખ ફડકી ઉજાગરાથી રાતી રાતી
ઝીણા ધબકારે ફાટફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો
ખોબો માંગુને……