પઠન: અંકિત ત્રિવેદી
ગાંધીજીની છબીવાળી ટપાલટિકિટની પછવાડે
મેં જીભથી થૂંક લગાડ્યું તો ટિકિટમાંથી ગાંધીજી સફાળા બોલ્યા:
‘અરે, અરે! પાણીને બદલે થૂંક?’
‘ઓહો, બાપુ આ તમે બોલ્યા?
આટલા વર્ષે?’ મેં પૂછ્યું.
‘ગોબરા, ટિકિટ ચોડવા પાણી કેમ ન વાપર્યું?’ બાપુએ પૂછ્યું.
‘પાણી કેવી રીતે વાપરું, બાપુ!
અહીં ખાદીની ને ગાદીની છત છે,
પણ પાણીની અછત છે.
અહીં ભલભલી મૂછોનાં પાણીયે સૂકાઈ ગયાં છે.
લોકો પાણીની અવેજીમાં
થૂંક વાપરીને
લાખો ગેલન પાણીની બચત કરે છે.’ મેં બચાવ કર્યો.
‘તારા વચનોમાં
ટિસ્યુ-સંસ્કૃતિની ગંધ આવે છે, ગોબરા!
લાપસીમાં ઘી નખાય, ઘાસલેટ નહીં.’ બાપુ તાડૂક્યા.
‘તમે મને ગોબરો કહો છો, પણ બાપુ!
પેલા ટપાલખાતાવાળા તમારી છબી પર
રદ્દીકરણનાં થપ્પા ઠોકીને તમારું મોં કાળું કરે છે,
એનું કંઈ નહીં?’ મેં નમ્રપણે કહ્યું.
‘દીકરા, એ તો મારા પ્રિય દેશવાસીઓ
મારું મોં કાળું કરવા સુધીની આઝાદી ભોગવી રહ્યા છે –
તેની જાહેરાત છે! વાસ્તવમાં ટપાલખાતું તો મારું
બ્યુટીપાર્લર છે, જ્યાં મારા ચહેરાની બ્યુટીટ્રીટમેન્ટ થાય છે!’
બાપુએ ડિસ્કો-હાસ્ય કર્યું.
‘બાપુ, વાતને આમ હસવામાં કાઢી નાખો મા.’ મેં નારાજીથી કહ્યું.
‘ભાઈ, હસવું બસ. જ્યારે ક્લેશનો ઉપાય ન જડે
ત્યારે બધું હસી કાઢવું.’ બાપુ ગંભીર થઈ ગયા. બોલ્યા:
‘જો, રોજરોજ સંદેશાની રાહ જોતાં પ્રેમીજનોને, સીમાડાની
રક્ષા કરતા જવાનોની માતાઓને, બહેનોને, પત્નીઓને,
સંતાનવિયોગે ઝૂરતાં મા-બાપોને હું સુખની ચબરખીઓ વ્હેચું છું –
ટપાલટિકિટમાં બેસીને.
મારા મૃત્યુ પછી પણ મારું જીવનકાર્ય – મનુષ્યને
મનુષ્ય સાથે જોડવાનું – અટક્યું નથી.
મારા મોં ઉપર પડતા રદ્દીકરણનાં કાળા થપ્પાઓ તો
કાળાં કાળાં ચુંબનો છે, મારા વહાલીડાઓનાં!
મારી યત્કિંચિત સેવાનો બદલો!’ બાપુએ વ્હાલથી
મારી પીઠે હાથ પસવારતાં કહ્યું:
‘તું પણ આમાંથી કંઈક શીખ, ભાઈ!’