Archive

Posts Tagged ‘kavya pathan’

ભગવાનનો ભાગ – રમેશ પારેખ

May 18th, 2012 9 comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પઠન: રમેશ પારેખ

નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા –
– આ ભાગ ટીકુનો.
– આ ભાગ દીપુનો.
– આ ભાગ ભનિયાનો, કનિયાનો..
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા –
‘આ ભાગ ભગવાનનો!’

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઈ જાય – એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણુંય ભેગું કર્યું;
ભાગ પાડ્યા – ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો?

રબીશ! ભગવાનનો ભાગ?
ભગવાન તે વળી કઈ ચીજ છે?

સુખ, ઉમંગ, સપનાં, સગાઈ, પ્રેમ –
હાથમાં ઘણું ઘણું આવ્યું..

અચાનક ગઈ કાલે ભગવાન આવ્યા;
કહે, લાવ, મારો ભાગ..

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા, ઉજ્જડ.
એકાદ સૂકું તરણુંયે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ! – કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું: ‘ કેટલા વરસનો થયો તું?’
‘પચાસનો’ હું બોલ્યો.

‘અચ્છા..’ ભગવાન બોલ્યા: ‘૧૦૦માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં..
હવે લાવ મારો ભાગ!’
ને મેં બાકીના પચાસ વરસ
ટપ્પ દઈને મૂકી દીધાં ભગવાનના હાથમાં!

ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ –
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો..

taintedsong.com taintedsong.com taintedsong.com

કેડી – રાજેન્દ્ર શુક્લ

May 14th, 2012 3 comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પઠન: રાજેન્દ્ર શુક્લ

ઘેનની પ્યાલી પાય છે કેડી
ક્યાંક મને લઈ જાય છે કેડી

આભમાં હું તો ઉડતો જાણે
વાયરા ભેળી વાય છે કેડી

ફૂલમાં એની ફૂટતી ફોરમ
એકલી એકલી ગાય છે કેડી

જાત્રા જે રહી જાય અધૂરી
એજ પછી થઈ જાય છે કેડી

શોધતાં આખી જિંદગી લાગે
આંખમાં જો અટવાય છે કેડી

કોક ત્રિભેટે થઈશું ભેળાં
લો હવે ફંટાય છે કેડી.

taintedsong.com taintedsong.com taintedsong.com

રસ્તો ક્યાં છે? – ચંદ્રકાન્ત શેઠ

June 5th, 2010 1 comment

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બ્હાર નીકળવું મારે,
રસ્તો ક્યાં છે?
પાંખ નથી રે, પીંછા પીંછા,
ડાળો વચ્ચે પિંજર દીઠાં,
એક વિહગને બ્હાર જવું છે,
નભમાં બારી ક્યાં છે?
છીપની દીવાલ બંધ,
કણ રેતીનો,
સહારા જેવો.

સ્વાતિનો આ સમય
આખુંયે આભ ઊજડ્યા જેવો.
આંખોમાં તરફડતાં મીન,
જનારના પડછાયા વાગે, ભીતર ઊતરે ખીણ:
ઊભા રહો તો જાવ ચણાતા,
ચાલો તો વિખરાતા!
દરિયાનાં મોજાંય મગર થઈ મરજીવાને ખાતાં!
કાંઠો હોડી ગળી રહ્યો છે…
ભીંત ભીતરને ગળી રહી છે…

પથ્થર ! મોઢું ખોલી બોલો, રસ્તો ક્યાં છે?
તમે અહીં જ્યાંથી આવ્યા તે રસ્તો ક્યાં છે?

taintedsong.com taintedsong.com taintedsong.com

કોઈની બુદ્ધિના પાંજરામાં – પન્ના નાયક

May 15th, 2010 5 comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી.

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું,
માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું,
મને આવું પીગળવાનું મંજૂર નથી.

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.

taintedsong.com taintedsong.com taintedsong.com

ઊંચે ઊંચે જવામાં – પંચમ શુક્લ

April 24th, 2010 8 comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આજે આપણા પ્રિય કવિ પંચમભાઈ શુક્લનો જન્મદિવસ છે. રણકાર અને સૌ વાચકો તરફથી પંચમભાઈને જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ. માણીએ એમની એક ગઝલ એમનાં જ અવાજમાં.

મૂળ ઊંડા જશે તો ઝાડ ઊંચે જશે,
ઊંચે ઊંચે જવામાં આભ ઊંચે જશે.

ટેરવા પર અમસ્તી ચામડી નઈ રહે,
સ્પર્શ સંવેદનાય કયાંય ઊંચે જશે!

પુષ્પની મ્હેક કિંવા સર્પના દંશથી,
રકતનો ચાપ એક-માન ઊંચે જશે.

માત્ર હું નહિ મટું કે માત્ર તું નહિ મટે,
આપણાં યુગ્મનોય ન્યાસ ઊંચે જશે.

ખેર! એ પળ તણીય રાહ પણ ઈષ્ટ છે,
રાહ સંદિગ્ધ છે તો સાહ ઊંચે જશે!
——————————————-
માન: માપ

સાહ: શરાફ, સાધુ પુરુષ, મદદ

taintedsong.com taintedsong.com taintedsong.com