ગભરૂ આંખોમાં – અમૃત ‘ઘાયલ’

આલ્બમ: સમન્વય ૨૦૦૬

સ્વર: પાર્થિવ ગોહિલ



ગભરૂ આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે
ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે.

વેચાઈ જવા કરતાંયે વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છે
હર ફૂલ મહીં ખુશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

દુ:ખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવું શું?
એ જોકે વસમી ઠોકર છે, પણ ખાઈ જવામાં લિજ્જત છે.

જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે,
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે.

સારા-નરસાંનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’,
જે આવે ગળામાં ઉલટથી તે ગઈ જવામાં લિજ્જત છે.