કાનુડો શું જાણે મારી પીડ – મીરાંબાઈ

આલ્બમ: મીરાંબાઈ

સ્વર: દિપાલી સોમૈયા



કાનુડો શું જાણે મારી પીડ?
બાઈ અમે બાળ કુંવારા રે.
કાનુડો શું જાણે..

જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વાલા,
કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરર રે.
કાનુડો શું જાણે..

વૃંદા રે વનમાં વા’લે રાસ રચ્યાં છે,
સોળસે ગોપીના તાણ્યા ચીર, ફાટ્યાં ચરરર રે.
કાનુડો શું જાણે..

જમુનાને કાંઠે વા’લો ગોધણ ચારે રે,
વાંસળી વગાડી ભાગ્ય ઢોર, ભાગ્યાં હરરર રે.
કાનુડો શું જાણે..

હું વરણાગી કાના તમારા રે નામની રે,
કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરર રે.
કાનુડો શું જાણે..

બાઈ મીરાં કે પ્રભુ ગીરીધર નાગર,
કાનુડે બાળીને કીધા ખાક, રાખ ઉડી ખરરર રે.
કાનુડો શું જાણે..