દુનિયાનું શું થશે? – બરકત વિરાણી ‘બેફામ’

આલ્બમ: સમન્વય ૨૦૦૮

સ્વર: અનિકેત કાંડેકર



આશાનું, ઈંતઝારનું, સપનાનું શું થશે?
તું આવશે તો મારી આ દુનિયાનું શું થશે?

આ ઝાંઝવાથી એક ગતિશીલતા તો છે,
મળશે ઝરણ જો માર્ગમાં પ્યાસાનું શું થશે?

ચમકે ના મારૂં ભાગ્ય ભલે કિન્તુ ઓ ખુદા,
તારા ગગનના કોઈ સિતારાનું શું થશે?

આ મયકદાનું એટલું તો અમને ભાન છે,
નહીં આવશું અમે તો મદિરાનું શું થશે?

‘બેફામ’ એટલે તો નિરાંતે ઊંઘી જશું,
જીવવાનું દુઃખ જ્યાં થાય ત્યાં મરવાનું શું થશે?