દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં ન દેજો રે સહી
વાગડની વઢિયારી સાસુ દોહ્યલી રે… દાદા હો દીકરી
દિ એ દળાવે મને, રાતડીએ કંતાવે સહી,
પાછલે તે પરોઢે પાણીડાં મોકલે રે… દાદા હો દીકરી
ઓશીકે હિંઢોણી મારી પાંગતિયે સિંચણીયું રે સહી,
સામે તે ઓરડીએ વહુ તારું બેડલું રે… દાદા હો દીકરી
પીયુ પરણ્યો પરદેશ મારો, એકલડી આટુલી રે સહી,
વાટલડી જોતી ને આસું પાડતી રે… દાદા હો દીકરી
ઘડો ન ડૂબે મારું સિંચણીયું ના પૂગે રે સહી,
ઊગ્યો ને આથમીયાં કૂવા કાંઠડે રે… દાદા હો દીકરી
ઊડતાં પંખીડાં વીરા સંદેશા લઈ જાજો રે સહી,
માતા છે માયાળુ આસું સારશે રે… દાદા હો દીકરી
કૂવે ના પડશો દીકરી, અકોણીયાં ન ખાજો રે સહી,
અજવાણી આઠમનાં આણાં આવશે રે… દાદા હો દીકરી
કાકાના કાબરીયા ને મામાના મુંજડીયા રે સહી
વીરાના વાગડીયા વઢીયારે ઊતર્યા રે… દાદા હો દીકરી
કાકાએ સીચ્ચું મારા મામાએ ચડાવ્યું રે સહી
વીરાએ જઈ ફોડ્યું વઢિયારીને આંગણે રે… દાદા હો દીકરી