લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે,
પગલીનો પાડનાર દેજો રન્નાદે,
વાંઝિયામેણાં માડી દોહ્યલાં રે.
દળણાં દળી હું તો પરવારી રે,
ખીલાડાનો ઝાલનાર દ્યોને રન્નાદે,
વાંઝિયામેણાં માડી દોહ્યલાં રે.
રોટલા ઘડીને હું તો પરવારી રે,
ચાનકીનો માંગનાર દ્યોને રન્નાદે,
વાંઝિયામેણાં માડી દોહ્યલાં રે.
ધોયોધફોયો મારો સાડલો રે,
ખોળાનો ખૂંદનાર દ્યોને રન્નાદે,
વાંઝિયામેણાં માડી દોહ્યલાં રે.
સ્વર: કવિતા ચોક્સી
ચાંદામામા ચાંદામામા આવો મારી પાસે
નાનકડો વેદાંત બોલાવે આવો મારી પાસે
ક્યારે નાના ક્યારે મોટા અજબ ગજબના થાઓ
ક્યારેક પૂનમ તો ક્યારેક બીજનો ચંદ્રમાં કહેવાઓ
ચાંદામામા ચાંદામામા આવો મારી પાસે..
ધોળા ધોળા દૂધ જેવા મારા મામા થાઓ
શરદપૂનમની રાતે અમને રૂડો રાસ રમાડો
ચાંદામામા ચાંદામામા આવો મારી પાસે..
અંધારાને હડસેલીને અજવાળું પ્રગટાવો
શીતળતાનો ગુણ અનોખો જગ આખાને આપો
ચાંદામામા ચાંદામામા આવો મારી પાસે..
સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય
તમે આકૃતિ હું પડછાયો
તેજ મહીંથી છું સર્જાયો.
તમે વિહરનારા અજવાળે
હું એથી બડભાગી,
ભમું ભલે આગળ પાછળ
પણ રહું ચરણને રે લાગી.
શિતળ જળ કે તપ્ત રણે જઈ
તમે ઉભા ત્યાં હું પથરાયો..
તમે આકૃતિ હું પડછાયો..
આંખ સગી ના જોઈ શકે જે
એવી અકળિત કાયા,
આ ધરતી પર સર્જન રૂપે
હું જ તમારી છાયા.
પ્રશ્ન મૂંજવતો આદિથી જે
આજ મુને સાચે સમજાયો..
તમે આકૃતિ હું પડછાયો..
સ્વર: સોનિક સુથાર
આંખ તારી થઈ જશે જયારે નમેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો
ઉકલે એ વાત તેં જે નહીં કહેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.
તેજ કિસ્સો તેજ રેતી તેજ કાદવ ધૂળમાં મેલો થયેલો એ સમય,
બાંધશું દરિયે ફરી પાછી હવેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.
એ ગઝલ જે ફૂલ પર બેસી રહે ને બાતમી ખુશ્બુ સભર આપ્યા કરે,
એ ગઝલ ઝાકળ બની ઉડી ગયેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.
સાંજ ટાણું સ્વપ્ન કોરાં, આંખમાં આંજી ગઝલ ને આંખમાં લઈને ઉદાસી
જે ગઝલ વર્ષો પાછી સામે મળેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.
સ્વર: સંજય ઓઝા
હે મારા અંતરનો ઓરડો ઉઘાડી
હું બેઠો મીટ માંડી, હાલી આવ ને
અંધારા ઉલેચી લોચનના કોડિયે
દીધાં મેં દીવડા જગાડી, હાલી આવ ને..
દિલ કેરાં દરિયામાં સપનાનો ઢગ ભરી
હોડી હંકારી તું આવ છાનેમાને
સૂનાં મારા કાળજાને કિનારે લાંગરજે
લાડકડી કહું તને કાઈ નહીં જાણશે
ઝબકંતા નૈનોમાં રાખી દીવાદાંડી,
હાલી આવ ને..
શણગારો સજ્યા નહીં હોય ભલે ચાલશે
વિખરાયી વેણીની લટ હું ભલે ચાલશે
આંગણામાં સરિતાના નીર રહ્યા વહેતાં
તરસ્યા ને તરસ્યા મારા હોઠ સદા રહેતાં
ભૂલવું ભૂલાય નહીં એવો હું અનાડી
હાલી આવ ને..
સ્વર: નયન પંચોલી
હાજર હાથ વાળા,
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા,
કોઈના ભંડાર ભરેલા, કોઈના ઠામ ઠાલા.
તરણા ઓથે ડુંગર જેવો દેવ તારો પડછાયો
આ દાનવમય થાતી દુનિયામાં તું ક્યાંય ના વર્તાયો
ઠેર ઠેર વેરઝેર, થાતા કામ કાળાં.
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા..
સતની ચાલે ચાલે એને દુ:ખના ડુંગર માથે
જૂઠને મારગ જાનારાને ધનનો ઢગલો હાથે
સાંઈ તો ન પામે પાઈ, દંભી ને દુશાલા
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા..
નાનું સરખું મંદિર તારું થઈ બેઠું દુકાન
પુકારે પંડિત પુજારી કોઈ લઈ લ્યો રે ભગવાન
નિર્ધન ને ધન દેજે ભગવન મુઠી પુંજીવાળા
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા..
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધાય
સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે
એવા ફરી આ બાગમાં ફૂલો ઉગાડીએ
જેના થકી ખુદ આપણી શોભા વધારીએ.
અસ્તિત્વ નહીં તો એમનું ઓગળી જશે,
મળતી રહી છે ક્યારની ક્ષમતા બુજાવીએ.
નહીંતો ધરાના લોક એને માનશે નહીં,
ઈશ્વર વિષે થોડી હવે અફવા ઉડાડીએ.
હા ગોવર્ધન એ પોતે જ ઊંચકશે,
પણ આપણે પણ આંગળી એમાં અડાડીએ.
સ્નેહી મિત્રો,
આજે ૧૬ માર્ચ ૨૦૧૦, રણકારની ગીત-સંગીતની સફરના ત્રણ વર્ષ પૂરાં થયા. આ સમય દરમ્યાન દેશ -વિદેશમાંથી અનેક વાચકોએ મુલાકાત લીધી. આપ સૌના સતત સહકારે જ એને અવિરત રણકતો રાખ્યો છે. આજે રણકાર પર બે નવી સવલતો ઉમેરી છે.
૧. ઘણા સમયથી શ્રોતાઓની માંગ હતી કે એક એક ગીત સંભાળવા કરતા જો પ્લે-લીસ્ટ બનાવી શકાય તો કામ કરતા કરતા પણ સાંભળી શકાય. તો લો પ્લે-લીસ્ટ હાજર છે. હવે કોઈપણ વ્યક્તિ રણકાર પર રજીસ્ટર થઈ શકાશે અને પોતાની પસંદના ગીતોનું પ્લે-લીસ્ટ બનાવી સાંભળી શકશે. દરેક રજીસ્ટર યુઝરનું એક પ્રોફાઈલ પેજ હશે જેની પર તેના બધા પ્લે-લીસ્ટ જોઈ/સાંભળી શકશે તથા તેમના તાજેતરના પ્રતિભાવો વાંચી શકાશે.
- આ માટે સૌપ્રથમ સાઈડબારમાં ‘member’s area’માંથી ‘register’ પર ક્લિક કરી રજીસ્ટર થાવ.
- ત્યારબાદ લોગીન કરશો એટલે તમારું ‘profile page’ ખુલશે.
- જેમાં ‘Create New Playlist’ પર ક્લિક કરો અને જે પાનું ખુલે તેમાં પ્લે-લીસ્ટનું નામ આપી પસંદના ગીતો સિલેક્ટ કરો અને સબમિટ કરો.
- હવે તમારા profile page પર તમારું નવું પ્લે-લીસ્ટ દેખાશે. જેના નામની બાજુમાં પ્લે બટન પર ક્લિક કરવાથી એને સાંભળી શકાશે. એજ રીતે તેને એડિટ કે ડીલીટ પણ કરી શકાશે.
તમે તમારો profile અન્ય વેબસાઈટ કે મિત્રો સાથે લીંક આપીને વહેંચી શકશો. જેમકે http://rankaar.com/your-username . આ સિવાય directory page પર બધાજ યુઝરનું લીસ્ટ દેખાશે અને જે તે યુઝરનો પ્રોફાઈલ દેખી શકાશે અને તેમના પ્લે-લીસ્ટ પણ સાંભળી શકાશે.
૨. હવેથી જે તે ‘category page’ પર તે કેટેગરીમાં હોય તેવા બધા જ ગીતોને સળંગ રીતે સાંભળી શકાય એવું એક પ્લેયર હશે. એટલે ભજન પર ક્લિક કરો તો બધા ભજનો, ગઝલ પર ક્લિક કરો તો બધી જ ગઝલો અવિરત રીતે સાંભળી શકાશે.
આપને આ સવલતો ગમી? તેમાં કોઈ મુશ્કેલી જણાઈ? તો આપ અહીં કોમેન્ટ લખી જણાવી શકો છો.
આપના સહકારની અપેક્ષા સહ,
- નીરજ.
સ્વરાંકન: દિલીપ ધોળકિયા
સ્વર: ગાર્ગી વોરા
હો રાજ દોડે કાં બાંવરી
બાંવરી અધીરી અલી હો રાજ
દોડે કાં બાંવરી..
તારી રે હુફમાં હૈયું હિલોળતી
સોનેરી સોડલા તોયે હું ખોળતી
ઉભી રે તો કહું જરા મનડાની વાત
હો રાજ દોડે કાં બાંવરી..
આવા ઉતાવળા પગલા જો પાડશે
અડધી નીંદરે નાથને જગાડશે
લેવા દે ને સેવા કેરી સાહ્યબીનો સાથ
હો રાજ દોડે કાં બાંવરી..
સ્વર: પ્રફુલ દવે, ઉષા મંગેશકર
બોલે છે ઝીણા ઝીણા મોર, રે મધુવન
બોલે છે ઝીણા ઝીણા મોર..
હો મીઠું રે મીઠું બોલે રે મોરલો.
હાલો કાપે મારા કાળજાની કોર રે મધુવન
બોલે છે ઝીણા ઝીણા મોર..
હે દલનાં વેપારી અમે દલડા રે વેચીએ,
હે હાલો ચિત્તડા કેરા છો તમે તોર રે મધુવન,
બોલે છે ઝીણા ઝીણા મોર..
સંગે રે રમશું ને સંગે રે ભમશું,
હે હાલો જોબનીયું ઝાકમઝોળ રે મધુવન,
બોલે છે ઝીણા ઝીણા મોર..