સામાં મળ્યાં તો – આદિલ મન્સુરી

આલ્બમ: અપેક્ષા

સ્વર: મનહર ઉધાસ



“હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય.”

સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ.

સાચે જ મીણ જેવી હતી મારી જિંદગી,
દુઃખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ.

મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.

કહેતી ફરે છે બાગમાં એક-એક ફૂલને,
તુજ આગમનની વાત હવા સાંભળી ગઈ.

‘આદિલ’ ઘરેથી નિકળ્યો મિત્રોને શોધવા,
ઓ દુશ્મની તું રાહમાં ક્યાંથી મળી ગઈ.