વાયરાની ડેલીએ – રસીક દવે

સ્વર: પિયુષ દવે



વાયરાની ડેલીએ..
બેસીને રોજ કાહ્ન વાટ્યુ ને ભીંજવી છે આંખથી..
વાટ્યુ ને ભીંજવી છે આંખથી..

નજરુંનાં પંખીઓ ઊડી ઊડીને કાહ્ન મથુરાનાં મારગે જાતાં
છાનાં નિઃશ્વાસો ને છાતીમાં પૂરીને શમણાંઓ રોજ નંદવાતા
મનનાં વૃંદાવનને સળગાવી રાતભર દાઝ્યા કર્યું છે અમે આગથી
વાટ્યુ ને ભીંજવી છે આંખથી ..

જમનાં ના નીર મારી પાંપણથી ચાલ્યા ને શૂળો થઈ ભોંકાણી રાત
છાનીનો ડૂમો ગોવર્ધન થઈ બેઠો ને પારકી થઈ ગઈ છે જાત
વાયરા નાં ઝોંકામાં વાંસળીનાં સૂર હવે વાગ્યા કરે છે તમ યાદથી
વાટ્યુ ને ભીંજવી છે આંખથી ..