બંધ આંખોમાં – ઈકબાલ મુન્શી

આલ્બમ: Love is Blind

સ્વર: શાન



બંધ આંખોમાં શમણું સજી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું.

ફૂલનાં પવનનાં સાંજના પ્રણયનાં,
મનનાં તરંગનાં, સૂરનાં સનમનાં;
રંગો સાતેય કોઈ રંગી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું.

મહેકે શ્વાસોમાં ભીનાં ચમન,
તારી સુગંધમાં ભાન ભૂલે છે મન;
છમછમ ઝાંઝર વાગે મધુરા,
સરસર પાલવ સરકે અધુરા;
મારા ખોબામાં કમળ ખીલી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું.

હૈયા દેશમાં તોરણ બંધાયા,
વ્હાલનાં ઉમંગનાં અવસર આવ્યા;
તેં એક અનોખી દુનિયા વસાવી,
મારા જીવનને સોળે શણગારી;
મારું ઘર આજે સ્વર્ગ બની ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું.