સ્વર: શાન
બંધ આંખોમાં શમણું સજી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું.
ફૂલનાં પવનનાં સાંજના પ્રણયનાં,
મનનાં તરંગનાં, સૂરનાં સનમનાં;
રંગો સાતેય કોઈ રંગી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું.
મહેકે શ્વાસોમાં ભીનાં ચમન,
તારી સુગંધમાં ભાન ભૂલે છે મન;
છમછમ ઝાંઝર વાગે મધુરા,
સરસર પાલવ સરકે અધુરા;
મારા ખોબામાં કમળ ખીલી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું.
હૈયા દેશમાં તોરણ બંધાયા,
વ્હાલનાં ઉમંગનાં અવસર આવ્યા;
તેં એક અનોખી દુનિયા વસાવી,
મારા જીવનને સોળે શણગારી;
મારું ઘર આજે સ્વર્ગ બની ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું.
આજનું આ ગીત ખાસ છે.. હજી ગઈકાલે જ આ ફિલ્મનાં સંગીતની સી.ડી. મારી પાસે આવી અને જેમ જેમ સાંભળતો ગયો એમ એમ જાણે પ્રેમમાં ડૂબતો ગયો. એક-એક ગીત મનને લોભાવી ગયું. કર્ણપ્રીય સંગીત અને સાથે શાન અને શ્રેયા ઘોષલનો સૂરીલો અવાજ હોય તો કહેવું જ શું. તો માણો આ સુંદર પ્રણયગીત.. સાંભળતા સાંભળતા કોઈ યાદ ન આવી જાય તો કહેજો
..
ફિલ્મ: લવ ઈઝ બ્લાઈન્ડ
સંગીત: કર્દમ ઠાકર
સ્વર: શાન, શ્રેયા ઘોષલ
મનમાં મારા મનમાં, કોઈ રૂમઝૂમ કરતું આવે,
હળવેથી મને બોલાવે..
મારા મનમાં.. મારા મનમાં..
મનમાં મારા મનમાં, વરસાદ પહેલો જાણે આવે,
વ્હાલમાં મને ભીંજાવે..
મારા મનમાં.. મારા મનમાં..
ફૂલો બધાં હવે રંગીન છે, હવાઓમાં જાણે સંગીત છે;
મોસમની આ કેવી પ્રીત છે,પ્રીતમાં રંગાવાની હવે જીદ છે.
મારા મનમાં.. મારા મનમાં.. મનમાં મારા મનમાં..
ઝાંઝર વાગે કે વાગે ભણકારા, મીઠા મીઠા લાગે છે હવે ધબકારા;
કોઈનાં થવાની આ કેવી બીક છે, કોઈનાં થવાની તોયે જીદ છે.
મારા મનમાં.. મારા મનમાં.. મનમાં મારા મનમાં..