આ વાયરાના તોફાને – ભાગ્યેશ જ્હા

આલ્બમ: સમન્વય ૨૦૦૮

સ્વરકાર: રવિન નાયક

સ્વર: સમૂહ ગાન



આ વાયરાના તોફાને આવેલા વરસાદે
ઉબંરની મર્યાદા તોડી;
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે
એણે આભ સાથે વાર્તા જોડી.

આ બારીમાં ટપકે છે ભીનું આકાશ
અને ચોમાસું છલકે ચોપાસ;
અહીં શેરીનાં દિવામાં એકલતા સળગે છે
ઉપર છે કાળું આકાશ.

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને,
એ આવે પણ કળીઓને તોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે
એણે આભ સાથે વાર્તા જોડી.

વૃક્ષોની નજરોનું પાથરણું પાથરીને
ધરતી એ ઓઢી’તી લીલાશ,
આ વરસાદે પલળેલું એકાકી ઝાડ,
એમાં આજે પણ કોરું આકાશ.

આ ધોધમાર પાણીનાં વહેતાં પ્રવાહમાં
પગલાં એ કેડી એક છોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે
એણે આભ સાથે વાર્તા જોડી.