છોકરાને સપનું આવ્યું ‘તું ગઈ રાતે – તુષાર શુક્લ

આલ્બમ: સમન્વય ૨૦૦૫

સ્વરકાર: ગૌરાંગ વ્યાસ

સ્વર: સોનિક સુથાર



છોકરાને સપનું આવ્યું ‘તું ગઈ રાતે,
કેટલુંયે સમજાવ્યું છોકરીએ છોકરાને,
છોકરો ન માને કોઈ વાતે..

ચોક્ખી ચણાક સાવ સમજી શકાય એવી છોકરીએ પાડી ‘તી ના,
ગલ્લાને ઘેર કડી રાણી ન જાય તેમ છોકરાને સમજાવવું આ,
લો-ગાર્ડન પાસેથી છૂટાં પડ્યા ‘તા હજુ હમણા તો સાત – સાડા સાતે..

મળવા છતાંયે જે ના બોલી શક્યો એણે સપનામાં કીધું મલકાતે,
ઓશિકા બદલે ના સપના બદલાય, મારી રાત હવે ગઈ ગયા ખાતે.
ના પાડી તોયે આ હાલત છે છોકરાની, જો હા પાડી હોત તો શું થાતે?

અણગમતું આવે કે મનગમતું આવે એ સપનું છે સપનાની મરજી,
સપનું આંજેલ આંખ સૌથી ના ઉકલે, એ આંખો નથી રે કોઈ અરજી.
આંખોના સરનામે આવે સુગંધ એને ઓળખવી પડતી રે જાતે..