મેઘદૂત (પૂર્વમેઘ ૨૪-૩૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

પરિકલ્પના,સંપાદન,સંકલન: રજનીકુમાર પંડ્યા
વિવરણ: ડૉ. ગૌતમ પટેલ
વિવરણ સ્વર: વિદ્યુલ્લતા ભટ્ટ

આલ્બમ: મેઘદૂત

સ્વરકાર: આશિત દેસાઈ

સ્વર: પ્રફુલ્લ દવે



પીળી વાડ્યો ઉપવનતણી, કેવડા ફૂટી રે’તાં,
માળા બાંધી તરુવર ભરે, ગામનાણ પંખિ પાળ્યાં;
જાંબુ પાક્યે, જળ વરસતાં, શ્યામ દીસે વનાન્તો,
હંસો રે’તાં કંઈ દિવસ ત્યાં, શોભી રે’શે દશાર્ણો ॥ ૨૪ ॥

તેની વિશ્વે વિદિત વિદિશા, છે રૂડી રાજધાની;
ત્યાં કામિને રુચતી રસની, માણશે મોજ મોંઘી;
તીરે ગર્જી મૃદુ, વિલસતી, ભ્રૂસમી ઊર્મિવાળું,
પીજે મીઠું અધર-રસ શું, વારિ વેત્રાવતીનું ॥ ૨૫ ॥

તા’રા સ્પર્શે પુલકિત ન શું હોય મોટાં કદંબે,
એવા નીચૈઃ ગિરિપર જઈ, મેઘ ! વિશ્રાન્તિ લેજે;
જે વેશ્યાના રતિ પરિમળે મ્હેકી રે’તા, ગુહામાં,
દેખાડે છે, છલકઈ જતાં, યૌવનો નાગરોનાં ॥ ૨૬ ॥

વિશ્રાન્તિ લઈ, નગનદીતટે સિંચતો સિંચતો જા,
ઉદ્યાનોમાં નવ જલકણે, જૂઇના ફાલ ફાલ્યા;
કાને પે’ર્યા કમળ વણસે, સ્વેદ લ્હોતાં કપોળે,
કર્જે છાયા, ક્ષણભર હળી, માળણોનાં મુખોને ॥ ૨૭ ॥

રસ્તો વાંકો અહીંથી બહુ છે, ઉત્તરે મેઘ ! જાતાં
તો’યે ઊંચા ભવન પર જૈ બેસજે ઇજ્જ્નીમાં;
વિદ્યુત્તેજે નયન મિચતી નાગરીનાં કટાક્ષો,
જોતો ત્યાં તું રમિશ નહિ તો જાણજે રે ઠગાયો ॥ ૨૮ ॥

વારિલ્હેરે કુજિત ખગની મેખલા કેડ ધારી,
ચાલી જાતી, અટકી લટકે, ચક્રનાભિ બતાવી;
નિર્વિન્ધ્યાનો રસ તું ભરજે અંતરે બેસી પાસ,
સ્ત્રીનું પે’લું પ્રણય વચન, પ્રેમી જોતાં વિલાસ ॥ ૨૯ ॥

જાણે વૃદ્ધો ઉદયન કથા, દેશ એવો અવન્તિ-
પહોંચી, પે’લાં કહિ નગરી જો, લક્ષ્મીથી રેલી રે’તી.
જે ખૂટ્યાથી સુચરિત ફલો, સ્વર્ગના વાસિઓનું,
બાકી પુણ્યે, ભૂમિપર વસ્યું હોય વૈકુંઠ બીજું ॥ ૩૧ ॥

લંબાવીને સ્વર મદભર્યા સારસોના રૂપાળા,
ખીલી રે’તાં કમળરજના સ્પર્શથી મ્હેકી રે’તા;
સીપ્રાવાયુ, શ્રમ સુરતનો નારીઓનો ઉતારે,
સ્પર્શી ધીરે લતી રિઝવતા નાથ પેઠે, પ્રભાતે ॥ ૩૨ ॥

ગુંથી મોંઘા મણિ ધરિ મુક્યા મોતીના શુભ્રહારે,
દૂર્વાવર્ણા, જળહળ થતાં, કોટિ વૈડૂર્ય રત્નો;
પર્વાળાંના ઢગથી, શિપથી મોતીની, જ્યાં બજારો;
જોતાં લાગે જળથી જ ભર્યા હોય તેવા સમુદ્રો ॥ ૩૩ ॥

આ સ્થાનેથી હરિ ઉદયને પુત્રી પ્રદ્યોત કેરી,
એની આંહિ હતી કનકની ઝાડીઓ તાડકેરી;
હસ્તી ગાંડો નલગિરિ અહીં સ્તંભ ખેંચી ભમ્યો’તો,
કે’તા એવી વિધ વિધ કથા, સ્નેહિને ભોમિયાઓ ॥ ૩૪ ॥

જાળી માર્ગે થઈ પ્રસરતા કેશસંસ્કારધૂપે,
ઘેરાવાથી જલધર થશે, તાહરાં અંગ ભારે;
નાચી રે’શે થનથન તને જોઇ માંડી કળાઓ,
બંધુ પ્રીતિ ધરી, ભવનના માન દેતા મયૂરો;
માટે માર્ગે શ્રમ બહુ થતાં બેસજે થાક ખાવા,
ત્યાં મ્હેલોમાં ધનિકજનના, પુષ્પથી મ્હેકી રે’તા;
જોતો શોભા, કુમકુમભરી પાદની પંક્તિઓની;
ધીમે ધીમે લલિતવનિતા ચાલવાથી પડેલી ॥ ૩૫ ॥

જોશે ન્યાળી શિવગણ, ગણી શંભુના કંઠરુપ,
જાતાં ચણ્ડીપતિ શિવતણા ધામમાં ત્યાં પવિત્ર;
ગંધાળીના રમતી જળમાં, નારીના અંગરાગે,
ઠંડા વાયુ કમળ સુરભી, વાડીઓને ઝુલાવે ॥ ૩૬ ॥