મેઘદૂત (પૂર્વમેઘ ૩૭-૪૪) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

પૂર્વમેઘ ૩૮The Courtesan of Chandishwar Temple in UjjainImage courtesy joshiartist.in© Artist Nana Joshi. Image reproduced with permission.

પૂર્વમેઘ ૩૮
The Courtesan of Chandishwar Temple in Ujjain
Image courtesy joshiartist.in © Artist Nana Joshi. Image reproduced with permission.


પરિકલ્પના,સંપાદન,સંકલન: રજનીકુમાર પંડ્યા
વિવરણ: ડૉ. ગૌતમ પટેલ
વિવરણ સ્વર: વિદ્યુલ્લતા ભટ્ટ

આલ્બમ: મેઘદૂત

સ્વરકાર: આશિત દેસાઈ

સ્વર: પ્રફુલ્લ દવે



જો તું દા’ડે જળધર મહાકાલને ધામ પો’ચું,
તો ત્યાં રે’જે દિવસ સઘળો આથમે ત્યાં સુધી તું;
સંધ્યા પૂજા શિવતણી થતાં, ગર્જના રૂપ તારી,
કર્જે આત્મા સફળ, મધુરી નોબતો ગર્ગડાવી ॥ ૩૭ ॥

દેખાયે છે ત્રિવલી ઉદરે, જેની રત્નપ્રભાથી,
એવાં તેજે જળહળી રહ્યાં ચામરો હાથ ઝાલી;
લીલાથી ત્યાં ચમરી શિવને ઢોળતાં, હાથ થાકે,
નૃત્યે જેના પગ ઠમકતાં, મેખલા ઝીણી વાગે;
પાયે દુખે ઘસઈ નખિયાં, અંગુઠે તાલ આપી,
તેને જ્યારે નવજલકણે, મેઘ ! તું દૈશ શાન્તિ;
ત્યારે તા’રાભણિ મુખ કરી, ત્યાંની વારાંગનાઓ,
જોશે નાખી મધુકરતણી શ્રેણી જેવાં કટાક્ષો ॥ ૩૮ ॥

નૃત્યારંભે કર, શિવતણા મંડલાકાર ઘેરી,
રાતું સંધ્યાતણું નવજપાપુષ્પશું તેજ પામી;
તું હસ્તીના રુધિર ગળતા ચર્મરુપે થવાથી,
ભક્તિ તારી સ્થિર નયનથી જોઇ રે’શે ભવાની ॥ ૩૯ ॥

ચાલી જાતી રમણ સમીપે નારીને, રાજમાર્ગે,
મોઢે મોઢું જરી નવ સુઝે એવી અંધારી રાતે;
સોનારેખા સમ વીજળીથી માર્ગ દેજે બતાવી,
ના તું વૃષ્ટિ કરી ગરજતો, બ્‍હી જશે તે બિચારી ॥ ૪૦ ॥

ત્યાં સૂતેલાં કબૂતરભર્યા મ્‍હેલના કો ઝરુખે,
ખેલી થાક્યાં વીજળી વહુનો થાક ઉતારવાને;
રાત્રિ ગાળી, સૂરજ ઉગતાં કાપજે બાકી માર્ગ,
માથે લીધા પછી સુહ્રદનું છોડી દે કાર્ય કોણ ॥ ૪૧ ॥

લૂછે આંસુ, પ્રિય ઘરભણી આવીને ખંડિતાનાં,
તે વેળા તું વિખરઈ જજે, સૂર્ય ના ઢાંકી દેતાં;
હીમાશ્રૂને નલિની મુખથી લુ્છવા એય જાશે,
માટે એના કર રુંધિશ તો, ખૂબ રોષે ભરાશે ॥ ૪૨ ॥

ગંભીરાના હ્રદય સરખા સ્વચ્છ વારિપ્રવાહે,
તા’રો આત્મા સુભગ ઠરશે ત્યાં જઈ છાંયરુપે;
ઉડી રે’તા કુમુદવરણાં મત્સ્ય રુપી કટાક્ષો,
જોજે એનાં અફળ કરતો, મેઘ થૈ ખૂબ મોંઘો ॥ ૪૩ ॥

ઢીલું થાતાં, ઉતરી પડતું તીરરુપી નિતંબે,
લાજી એણે, કરથી પકડી રાખીયું હોય જાણે;
તેવી રીતે તટપર ઉગી નેતરોમાં ભરાયું,
ખેંચી લેતાં જળરુપી રૂડું શ્યામળું વસ્ત્ર એનું.
નિશ્ચે તા’રું ઝુકી ઝુકી જશે ભારથી પૂર્ણ અંગ,
ધારું છું જે બહુ કરીશ તું, ત્યાંથી જાતાં વિલંબ;
ચાખ્યા કેડે સુરતરસને કોણ એવો હશે જે,
પાસે ઊભી વિવૃતજઘના કામિની છોડી દેશે ॥ ૪૪ ॥