પરિકલ્પના,સંપાદન,સંકલન: રજનીકુમાર પંડ્યા
વિવરણ: ડૉ. ગૌતમ પટેલ
વિવરણ સ્વર: વિદ્યુલ્લતા ભટ્ટ
આલ્બમ: મેઘદૂત
સ્વરકાર: આશિત દેસાઈ
સ્વર: પ્રફુલ્લ દવે
વર્ષાબિન્દુ પડી ઉપસતી પૃથ્વીના ગંધવાળો,
હસ્તીઓથી મધુર સુંઢા સૂસવાટે પિવાતો,
ઠંડો વાયુ ફળ પકવતો ઉંબરાનાં વનોમાં,
વા’શે ધીરે અનુકૂળ થતો દેવગિરિ જતાં ત્યાં ॥ ૪૫ ॥
ત્યાં તો પુષ્પોરુપ બની જઈ, વ્યોમગંગાપ્રવાહે-
ભીનાં પુષ્પો વરસી, વસતા સ્કંદને પૂજી લેજે;
રક્ષા માટે ધર્યું શિવજીએ ઇન્દ્રસેનાની એહ-
અગ્નિ કેરા મુખમહીં, મહા સૂર્યથી ઉગ્ર તેજ ॥ ૪૬ ॥
જ્યોતિર્લેખાથકી ચળકતું પિચ્છ જેનું ભવાની,
પુત્રપ્રેમે કુવલય તજી રાખતાં કાન પે’રી;
નેત્રો જેનાં ધવલ શિવના ચંદ્રથી તે મયૂર,
ગાજી રે’તી ગિરિકુહરમાં ગર્જનાથી નચાવ ॥ ૪૭ ॥
જાતાં વંદી શરજનમને, છોડશે માર્ગ તારો,
સિદ્ધ દ્વંદ્વો જળકણ ભયે ઢાંકી દેતાં વીણાઓ;
કીર્તિ ગૌના વધની સરિતારૂપમાં રંતિદેવે,
મુકી હોયે, અહીં, તું નમજે, એવી ચર્મણ્વતીને ॥ ૪૮ ॥
જ્યારે લેવા જળ, નમિશ તું કૃષ્ણના વર્ણચોર!
જોશે ઠારી નજર નભથી, સિદ્ધ ગંધર્વ સર્વ;
એનો મોટો પટ દૂરથકી લાગતો સેર રૂપે,
જાણે માળા ભૂમિની વચમાં શોભતી ઇન્દ્રનીલે ॥ ૪૯ ॥
તે ઓળંગી, કુશળ અતિશે ભ્રૂલતા વિભ્રમોમાં,
કાન્તિ કાળી ધવળ પસરે પાંપણો ઊંચી થાતાં;
કુન્દો જાણે મધુકરભર્યા ડોલતાં હોય તેવી,
જોવાતો જા, દશપુરતણી નારીનો દ્રષ્ટિઓથી ॥ ૫૦ ॥
બ્રહ્માવર્તે જલધર પછી પેસતાં છાયરુપે,
ક્ષત્રિઓના વધ સૂચવતું, તું કુરુક્ષેત્ર જોજે;
વર્સે છે તું કમળવનમાં, તેમ ગાણ્ડીવધન્વા,
રાજાઓને મુખ વરસતો, બાણની વૃષ્ટિઓ જ્યાં ॥ ૫૧ ॥
બંધુપ્રીતિ ધરી, હલધરે, બેઉશું યુદ્ધ છોડી,
ત્યાગી ઝાઝી ગમતી મદિરા રેવતી નેત્ર સૉતી;
સેવ્યાં સારસ્વતી જલ જઈ સેવતાં તે તું આજ,
રે’શે શુદ્ધિ હ્રદયની થતાં, દેહથી શ્યામ-વર્ણ ॥ ૫૨ ॥
જાજે ત્યાંથી, કનખલ જહાં શૈલરાજેથી આવી,
વ્હે છે ગંગા સગરસુતના સ્વર્ગના માર્ગ જેવી;
જાણે કાઢે હસિ ફિણવડે, ગૌરીની ભ્રૂ ચઢેલી,
વીચિહસ્તે ધરિ શશિકલા શંભુના કેશ ઝાલી ॥ ૫૩ ॥
લંબાવીને મુખ નભથકી, ઇન્દ્રના હસ્તિ પેઠે,
જો ગંગાનું સ્ફટિક સરખું સ્વચ્છ, તું વારિ પીશે;
તો આ તા’રી વિશદ જળમાં, પેસતી શ્યામછાયે,
ગંગા વચ્ચે મળતી યમુના હોય, તેવી જણાશે ॥ ૫૪ ॥
જ્યાં બેઠાથી મૃગ મસમસે કસ્તુરીથી શિલાઓ,
જ્યાંથી ગંગા નીકળી, ગિરિએ હિમથી શ્વેતવર્ણો;
એને શૃંગે જઈ વિરમતાં, ટાળવા થાક તા’રો,
દેખાશે તું શિવજી વૃષભે પંકે જાણે ઉખાડ્યો ॥ ૫૫ ॥
વા’તાં વાયુ, સળગી ઉઠતો, દેવદારૂ ઘસાતાં,
પીડે અગ્નિ, ઉડી ચમરીના વાળને બાળતો ત્યાં;
વર્ષાવી તું, શીતલ કરજે, સેંકડો વારિધારા,
માને લક્ષ્મી સફળ, દુખિનાં કષ્ટ કાપી મહાત્મા ॥ ૫૬ ॥
કોપી મિથ્યા તલપી શરભો, અંગને ભાંગવાને,
રસ્તો કાપ્યા પછીથી તુજને જાય ઓળંગવાને;
તો તું તેને અતિશય કરા વર્ષી દેજે નસાડી,
ઠાલા યત્નો અફળ કરતાં હાંસી ના થાય કોની ॥ ૫૭ ॥