Home > આશિત દેસાઈ, કાલિદાસ, કિલાભાઈ ઘનશ્યામ, પ્રફુલ્લ દવે, મેઘદૂત > મેઘદૂત (પૂર્વમેઘ ૫૮-૬૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

મેઘદૂત (પૂર્વમેઘ ૫૮-૬૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

March 21st, 2014 Leave a comment Go to comments
પરિકલ્પના,સંપાદન,સંકલન: રજનીકુમાર પંડ્યા
વિવરણ: ડૉ. ગૌતમ પટેલ
વિવરણ સ્વર: વિદ્યુલ્લતા ભટ્ટ
આલ્બમ:મેઘદૂત
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:પ્રફુલ્લ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


દેખાયે છે પુનિત પગલાં શંભુનાં, ત્યાં શિલામાં,
ભાવે તેને ફરી, તું નમજે, યોગીથી જે પૂજાતાં;
જેને જોતાં ટળિ જઇ બધાં પાપ, આસ્થાળુઓની,
થાયે મુક્તિ શિવગણ પદે, દેહ છોડ્યા પછીથી ॥ ૫૮ ॥

પૂરાયેલા પવનથકિ જ્યાં વેણુ વાગે રસાળ,
ભેગી થૈને ત્રિપુરજયનાં કિન્નરી ગીત ગાય;
તેમાં તા’રો ધ્વનિ ગરજતાં, જેમ વાગે મૃદંગ,
વાદ્યો કેરો પશુપતિતણો, જામશે સર્વ રંગ ॥ ૫૯ ॥

જોતો જોતો, હિમગિરિ તણા પ્રાન્તની આવી લીલા,
હંસદ્વારે, ભૃગપતિતણી કીર્તિના માર્ગમાં, જા;
પેસી વાંકો થઈ વિચરજે ઉત્તરે કૌંચમાંથી,
શોભા પામી બલિદમનમાં વિષ્ણુના પાદ જેવી ॥ ૬૦ ॥

જા કૈલાસે, સુરવધૂતણા સ્વચ્છ આદર્શ જેવા,
કીધા જેના, ઉંચકી કરથી રાવણે સંધિ ઢીલા;
ઊંચા ધોળાં કુમુદ સરખાં શિખ્ખરે ઘેરી આભ,
જાણે રાશિરૂપ થઈ રહ્યો, શંભુનો અટ્ટહાસ્ય ॥ ૬૧ ॥

હોયે ધોળો જ્યમ, તરતનો હાથિનો દાંત વ્હેર્યો,
તેવો ગોરો ગિરિ, તું શિખરે બેસતાં મેશ જેવો;
શોભી રે’શે, બહુ નિરખવા યોગ્ય થૈ આંખ ઠારી,
જાણે ઊભા હલધર ખભે શ્યામળા વસ્ત્રધારી ॥ ૬૨ ॥

કાઢ્યા કેડે ભુજગવલયો, શંભુનો હાથ ઝાલી,
ક્રીડાશૈલે, કદિ વિચરતાં હોય ત્યાં ગૌરી ચાલી;
તો અભ્રોને જળ નવગળે તેમ તું ગોઠવીને,
થાજે અગ્રે મણિતટ જવા સારું, સોપાનરુપે ॥ ૬૩ ॥

કાઢી ધારા જળની, ઘસીને કંકણો કેરી ધારો,
કર્શે તા’રો સુરયુવતીઓ, સ્નાન માટે ફુવારો;
ગ્રીષ્મે પામી રમતી તુજશું, એમ જાવા ન દેતો,
કર્જે સૌને ભયભીત, કરી પ્રૌઢ તું ગર્જનાઓ ॥ ૬૪ ॥

સોનાકેરાં કમળથી ભર્યું માનનું વારિ પીતો,
ત્યાં તું ઐરાવતની સૂંઢના વસ્ત્રરુપે સુહાતો;
વાયુ પ્રેરી હલવી કુંપળો, વસ્ત્રશી, કલ્પવૃક્ષે,
ચેષ્ટા એવી વિવિધ કરતો મ્હાલજે એ નગેન્દ્રે ॥ ૬૫ ॥

જાણે એને પિયુસમ ગણી, વેઠી ઉત્સંગ આવી,
ગંગારુપી સરિ સરિ જતું ઉજળું વસ્ત્ર ધારી;
જાણી લેશે નગરી અલકા યક્ષની એ અમારી,
તા’રી દ્ર્ષ્ટે સહજ પડતાં મેઘ! તું કામચારી.
ઉંચા ઉંચા ભવન શિખરે , એ પુરી મેઘકાળે,
વારિબિન્દુથકી નિગળતાં, અભ્રનાં વૃન્દ ધારે;
તે શું જાણે પ્રિયતમ તણા, આવીને અંક માહે-
મોતી સેરો ગુંથી અલકમાં, કામિની બેઠી હોય ॥ ૬૬ ॥

Please follow and like us:
Pin Share
  1. No comments yet.
  1. No trackbacks yet.