મારી બંસીમાં બોલ બે વગાડી તું જા – સુંદરમ્

સ્વરકાર: પ્રહર વોરા

સ્વર: હિમાલી વ્યાસ નાયક



મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા.

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા.

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.