મને ઝાકળ જેવું તો કંઈક આપો – વીરુ પુરોહિત

આલ્બમ: સમન્વય ૨૦૦૬

સ્વર: હેમા દેસાઈ



કે મને ઝાકળ જેવું તો કંઈક આપો,
દરિયાની કામનાને વાચા ફૂટે તો કહે,
વાદળ જેવું તો કંઈક આપો.

આરપાર દ્રષ્ટિના ઉતરી જાય કાફલાઓ
એવી છે ખીણ મારી આંખમાં,
ઇચ્છાના પંક્ષી લઈ ઊડ્યા આકાશ
મારી છાતી ધબક્યાની રાત પાંખમાં.
કોણ જાણે કેવી છે પવનોની વાત,
તમે અટકળ જેવું તો કંઈક આપો.

જંગલ એવું છું કે આસપાસ ઘુમરાતા
ટહુકાઓ જીરવ્યા જીરવાય નહીં,
સૂરજ ઊગે ને રોજ થઈ જાઉં હેરાન
મારા પડછાયા ઝાલ્યા ઝલાય નહિ.
મારી એકાદી આંગળીને કાપી કરું કલમ,
કાગળ જેવું તો કંઈક આપો.