હે જી એવા કોરાં રે અષાઢ – શીવરાજ આકાશ

આલ્બમ: સમન્વય ૨૦૦૬

સ્વર: નયનેશ જાની

હે જી એવા કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં હો જી;
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.

હે અમને હાંભરે મેળાને હાંભરે ફરતા એ ચકડોળ
મેળે મનડું ના લાગે ભમતો મનડાનો મોર.
હે જી તમે દૂર દેશાવાર, નથી કંઈ ઓરા હો જી,
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.
હે જી એવા કોરાં રે અષાઢ..

હે ચિત્તડાનાં ચાતક કેરી પાંખ્યું રે કરમાતી
કુણાં રે કાળજડાં કકળે આખ્યું રાતી રાતી.
હે જી એવા યાદ લઈને આવે તારલાનાં ટોળા હો જી,
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.
હે જી એવા કોરાં રે અષાઢ..

હે થનગનતા ઘોડલે પહોંચું હું પળવારે
જીવડો ના જંપે બેઠી પાદરને પગથારે.
હે જી મારો નાવલીયો વરસે જેમ ઘનઘોરા જી,
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.
હે જી એવા કોરાં રે અષાઢ..