સ્વરાંકન / સ્વર: નયનેશ જાની
એક વ્યક્તિ પણ અહીં ટોળું બને એવું બને,
ચીંથરું ક્યારેક ઘરચોળું બને એવું બને.
કાગડો હિંમત કરીને ચાંદનીમાં જો ઉડે,
પિચ્છ એકાદું પછી ધોળું બને એવું બને.
લાગશે માસુમ ચહેરો જળનો પણ એજ જળ
નાવ ડૂબાડી ભલું ભોળું બને એવું બને.
સ્વર: નયનેશ જાની
માણસ તો સમજ્યા ચીતરી શકાય
કેમ ચિતરવું માણસના મનને,
ચરણો તો ચાહો તેમ ચલવી શકાય
કેમ ચીલે ચલવું પવનને.
મહોરાંમાં ચહેરો, ચહેરામાં મહોરું
ઉપર તો ભીનું પણ ભીતર તો કોરું,
બાંધે એ બંધ પછી તોડે સંબંધ
એને માનવું શું છેટું કે ઓરું.
પગલાં તો સમજ્યા પામી શકાય
કેમ પામવું આ મનના ગગનને.
ઝાકળથી ઝીણું ને પાણીથી પાતળું
પકડો તો મુઠ્ઠી રહે ખાલી,
પીંછું પકડ્યાથી પંખી ઓછું પકડાય
પડછાયો દે સદા તાલી.
ચીતરેલો માણસ તો ફ્રેમમાં મઢાય
શેમાં મઢવું આ માણસના મનને.
સ્વરાંકન / સ્વર: નયનેશ જાની
કાચમાં રહે છે પારદર્શકતા,
એમ તમે મારામાં આરપાર રહેતાં.
ફૂટી ગયેલા આરપારતાને વળગીને
તાકતી સપાટીઓ તો અંધ,
દાળમાંથી પાન જેમ ઉગી નીકળે છે
એમ આપણને ઉગ્યો સબંધ.
પાનને લીલાશ બેઉ વચ્ચેની દુરતામાં
જોજનનાં પૂર હવે વેહતાં..
તમે મારામાં આરપાર રહેતાં..
આખાયે પૂરને હું બે કાંઠે ઘુઘવતી
ઘૂમરીની જેમ રે વલોવું,
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ
મને લાગતું ન ક્યાંક મારું હોવું.
હોવા વિનાની કોઈ શક્યતામાં ઓગળીને
જળનો આકાર તમે લેતાં..
તમે મારામાં આરપાર રહેતાં..
સ્વરાંકન / સ્વર: નયનેશ જાની
“મતલબ વિનાની લાગણી મળતી નથી અહીં,
દિલમાંય માનવીના અહીં તો દિમાગ છે.
મહેંકી રહી છે એમની કલંક થઈને મહોબ્બત,
જીવનના વસ્ત્ર પર કોઈ અત્તરનો ડાઘ છે.”
ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.
ઊર્મિ પૃથક પૃથક છે, કલા છે જુદી જુદી,
સઘળું કહી રહ્યો છું વિધિસર કહ્યા વિના.
કેવા જગતથી દાદ મેં માંગી પ્રકાશની,
હીરાને જે રહે નહીં પથ્થર કહ્યા વિના.
સ્વરાંકન / સ્વર: નયનેશ જાની
સુખની આખી ઇન્ડેક્સ અને અંદર દુ:ખના પ્રકરણ,
તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ.
પૂંઠા વચ્ચે પાનાં બાંધ્યા, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને પાને પાનાં વાંચે.
પથ્થરના વરસાદ વચાળે કેમ બચાવો દર્પણ?
હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવા લાયક,
તમે ફેરવો પાનાંને એ પુસ્તકમાંથી ગાયબ.
ફાટેલાં પાનાંના જેવાં ફાટી જાતાં સગપણ.
આ લેખક પણ કેવો એને દાદ આપવી પડશે,
લખે કિતાબો લાખો પણ ના નામ છપાવે કશે.
હશે કદાચિત લેખકજીને પીડા નામે વળગણ.
———————————————————
સાભાર: રીડગુજરાતી
સ્વરાંકન / સ્વર: નયનેશ જાની
શબ્દોનાં વન, તારા નામનો પવન
પછી જીવવાનું કેવું મજાનું,
આ ગીતો તો ક્યારનાં શોધે છે
સજન તમને મળવાનું બહાનું.
દર્પણ પૂછે છે રોજ, આંસુ લૂછે છે રોજ,
ચહેરો ખૂટે છે એક ગમતો,
ઘરની ભીંતોને આજ ઘેલું લાગ્યું છે
એક પડછાયો મુકવો છે રમતો,
કાનમાં કહું પે’લા વાયરાને
આજમાં સંભળાતું નામ તારું છાનું.
પીંછું પણ સામેથી મોરને શોધે છે
એવા દિવસોનું કરવું પણ શું?
ગીતોને પંક્તિની પાંખો ફૂટે ને
આ ઉઘડે છે આસ-પાસ તું.
તું પણ શોધે છે મને મળવાનું બહાનું
એ વાત હવે કેમ કરી માનું?
સ્વર: નયનેશ જાની
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર,
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડા પિયે ને
પિયે માટીની ગંધ મારા મૂળ,
અડધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અડધું તે તમરાંનુ કુળ;
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સ્વર/સ્વરાંકન: નયનેશ જાની
હે જી એવા કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં હો જી;
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.
હે અમને હાંભરે મેળાને હાંભરે ફરતા એ ચકડોળ
મેળે મનડું ના લાગે ભમતો મનડાનો મોર.
હે જી તમે દૂર દેશાવાર, નથી કંઈ ઓરા હો જી,
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.
હે જી એવા કોરાં રે અષાઢ..
હે ચિત્તડાનાં ચાતક કેરી પાંખ્યું રે કરમાતી
કુણાં રે કાળજડાં કકળે આખ્યું રાતી રાતી.
હે જી એવા યાદ લઈને આવે તારલાનાં ટોળા હો જી,
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.
હે જી એવા કોરાં રે અષાઢ..
હે થનગનતા ઘોડલે પહોંચું હું પળવારે
જીવડો ના જંપે બેઠી પાદરને પગથારે.
હે જી મારો નાવલીયો વરસે જેમ ઘનઘોરા જી,
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.
હે જી એવા કોરાં રે અષાઢ..
સ્વરાંકન/સ્વર: નયનેશ જાની
પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે કરું કે
વાત કરું કે કરું વાર્તા, સાજન તમને ગમે કરું કે.
ટહુકા પરથી મોર ચીતરવો, પીંછા પરથી કોઈ પક્ષીને
પાન પરથી જંગલ રચવું, સાજન તમને ગમે કરું કે.
આસું ને ઝાકળ એ બન્ને રોજ ખરે પણ કોણ ઝીલતું
પુષ્પ અગર તો પત્થર બનવું, સાજન તમને ગમે કરું કે.
મનગમતી વાતો જે મનમાં, મનમાં મનમાં ઉગે આથમે
એનું ગીત કદી ગણગણવું, સાજન તમને ગમે કરું કે.
સ્વર/સ્વરાંકન: નયનેશ જાની
અમે આંધી વચ્ચે તણખલાંના માણસ,
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ફટાણાંના માણસ, મરસિયાના માણસ,
અમે વારસાગત સમસ્યાના માણસ.
કદીથી સદીની અનિદ્રાના માણસ,
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.
અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ,
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.
શિખર ખીણ ધુમ્મસ સૂરજ કે કશું નૈં?
ટુ બી-નૉટ ટુ બી ની હા-ના ના માણસ.
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે,
હતા આપણે મૂળ તડકાના માણસ.