આલ્બમ: સમન્વય ૨૦૦૯
સ્વર: નયનેશ જાની
માણસ તો સમજ્યા ચીતરી શકાય
કેમ ચિતરવું માણસના મનને,
ચરણો તો ચાહો તેમ ચલવી શકાય
કેમ ચીલે ચલવું પવનને.
મહોરાંમાં ચહેરો, ચહેરામાં મહોરું
ઉપર તો ભીનું પણ ભીતર તો કોરું,
બાંધે એ બંધ પછી તોડે સંબંધ
એને માનવું શું છેટું કે ઓરું.
પગલાં તો સમજ્યા પામી શકાય
કેમ પામવું આ મનના ગગનને.
ઝાકળથી ઝીણું ને પાણીથી પાતળું
પકડો તો મુઠ્ઠી રહે ખાલી,
પીંછું પકડ્યાથી પંખી ઓછું પકડાય
પડછાયો દે સદા તાલી.
ચીતરેલો માણસ તો ફ્રેમમાં મઢાય
શેમાં મઢવું આ માણસના મનને.