Archive

Click play to listen all songs in ‘મરીઝ’ Category
This text will be replaced by the flash music player.

ડંખે છે દિલને – મરીઝ

May 5th, 2010 3 comments

સ્વરાંકન / સ્વર: નયનેશ જાની

“મતલબ વિનાની લાગણી મળતી નથી અહીં,
દિલમાંય માનવીના અહીં તો દિમાગ છે.
મહેંકી રહી છે એમની કલંક થઈને મહોબ્બત,
જીવનના વસ્ત્ર પર કોઈ અત્તરનો ડાઘ છે.”

ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.

ઊર્મિ પૃથક પૃથક છે, કલા છે જુદી જુદી,
સઘળું કહી રહ્યો છું વિધિસર કહ્યા વિના.

કેવા જગતથી દાદ મેં માંગી પ્રકાશની,
હીરાને જે રહે નહીં પથ્થર કહ્યા વિના.

taintedsong.com taintedsong.com taintedsong.com

દીવાનગી જ સત્યનો – મરીઝ

May 6th, 2009 5 comments

સ્વર: ઉદય મઝુમદાર

દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે,
જાણી ગયા બધાં કે મને તુજથી પ્યાર છે.

શોધો પ્રસંગને એ તમારા ઉપર રહ્યું,
આખું જીવન અમારું હવે આવકાર છે.

મળવા જો એને ચાહું તો હમણાં મળી શકું,
એ વાત છે જુદી કે મને ઇંતઝાર છે.

એકાદ હો તો એને છૂપાવી શકું ‘મરીઝ’,
આ પ્રેમ છે ને એનાં પુરાવા હજાર છે.

taintedsong.com taintedsong.com taintedsong.com

મદિરા – મરીઝ

April 22nd, 2009 3 comments

સ્વર/સ્વરાંકન: શ્યામલ – સૌમિલ મુન્શી

નથી કોઈ તારામાં વિધિ મદિરા,
ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા.

ગળેથી જ્યાં ઉતરી કે તોફાની થઈ ગઈ,
હતી જામમાં સાવ સીધી મદિરા.

સતત કરવા પડતા સુરાલયનાં ફેરા,
નિરાંતે કદી મેં ના પીધી મદિરા.

‘મરીઝ’ એની ન્યામતનું શું પૂછવાનું,
ફળોમાં, અનાજોમાં પીધી મદિરા.

taintedsong.com taintedsong.com taintedsong.com

નથી મળતા – મરીઝ

March 26th, 2009 10 comments

સ્વર: મનહર ઉધાસ

તને જોયા કરૂં છું પણ મિલન મોકા નથી મળતા,
સિતમ છે, સામે મંઝીલ છે અને રસ્તા નથી મળતા.

નવીનતાને ન ઠુકરાવો, નવીનતા પ્રાણપોષક છે,
જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જુનાં નથી મળતા.

ભલા એવા જીવનમાં શું ફળે જીવનની ઇચ્છાઓ,
કે જ્યાં મરજી મુજબનાં નીંદમાં સપના નથી મળતા.

કરી શકતો નથી હું મારા મિત્રોની કદરદાની,
ફકત એ કારણે કે દુશ્મનો સાચા નથી મળતા.

‘મરીઝ’ અલ્લાહનાં એકત્વમાં શંકા પડે ક્યાંથી?
જગતમાં જ્યારે બે ઇન્સાન પણ સરખા નથી મળતા.

taintedsong.com taintedsong.com taintedsong.com

હશે મારી દશા કેવી – મરીઝ

January 27th, 2009 2 comments

સ્વર: મનહર ઉધાસ

“સુરા રાતે તો વહેલી સવારે પી ગયો છું હું,
સમય સંજોગના ગેબી ઈશારે પપી ગયો છું હું.
કોઈ વેળા જરા ઓછી મળે એની શીકાયત શું?
કોઈ વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.”

હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી?
હવે પીધાં પછી પણ મારું દિલ ગભરાય છે સાકી.

સુરા પીતાં જે મારાથી કંઈક ઢોળાય છે સાકી,
મને એમાં હજારોની તરસ દેખાયે છે સાકી.

અસર આવી નથી જોઈ મેં વરસોની ઇબાદતમાં,
ફકત બે જામમાં તરત જ જીવન બદલાય છે સાકી.

સુરાની વાત કેવી? ઝેર પણ પી લે અગર કોઈ,
તો દુનિયામાં એ ચર્ચાનો વિષય થઈ જાય છે સાકી.

‘મરીઝ’ આવા નશામાં પણ ઉઘાડી આંખ રાખે છે,
ખબર કોને કે એની આંખ ક્યાં મીંચાય છે સાકી.

taintedsong.com taintedsong.com taintedsong.com

નથી એ વાત – મરીઝ

July 14th, 2008 12 comments

સ્વર: મનહર ઉધાસ

સૌંદર્યની દુનિયામાં છે સંયમનો રીવાજ,
સ્વભાવનાં બંધનનો નથી કોઈ ઈલાજ,
સમજી લે કે મોઘમ છે ઈશારા એનાં,
ફૂલોમાંથી ક્યાં આવે છે હસવાનો અવાજ.

નથી એ વાત કે પહેલાં સમાન પ્રીત નથી,
મળું તમને હું તો એમાં તમારું હિત નથી.

થયો ન હારનો અફસોસ, કિન્તુ દુ:ખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

બીજી તરફ છે બધી વાતમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.

ફના થવાની ઘણી રીત છે જગતમાં ‘મરીઝ’,
તમે પસંદ કરી છે એ સારી રીત નથી.

taintedsong.com taintedsong.com taintedsong.com

બસ ઓ નિરાશ દિલ – મરીઝ

June 24th, 2008 4 comments

સ્વર: સોલી કાપડીયા

“સંગીતમાં છું મસ્ત, સુરામાં તર છું,
માનું છું ગુનાહોનું સળગતું ઘર છું;
પણ તુજથી દરજ્જામાં વધુ છું ઝાહિદ,
દુનિયાથી તું પર છે, તો હું તુજ થી પર છું”

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે.
લાગે મને કે જગમાં બધા કામયાબ છે.

એમાં જો કોઈ ભાગ ન લે મારી શી કસૂર?
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.

કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી,
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.

બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત,
બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે.

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે.

taintedsong.com taintedsong.com taintedsong.com

ઓ સિતમગર – મરીઝ

April 11th, 2008 4 comments

સ્વર: જગજીત સિંહ

ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીર ને,
લાજ રાખી લઉં છું તારી, દોષ દઈ તકદીર ને.

રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં,
જેવી રીતે જોઉં છું હું એમની તસવીર ને.

વીંધનારાઓ બરાબર જાય છે મંજિલ ઉપર,
પંથ બદલે એ નથી આદત ગતીમય તીર ને.

એની અંદર શું હશે મારી બલા જાણે ‘મરીઝ’,
બહાર તો પત્થર મળ્યા મસ્જિદ અને મંદિર ને.

taintedsong.com taintedsong.com taintedsong.com

પ્રેમમાં ખેંચાણ છે – મરીઝ

February 18th, 2008 3 comments

આલ્બમ: આવકાર
સ્વર: મનહર ઉધાસ

પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને,
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને.

કૈંક ખામી આપણા આ પ્રેમનાં બંધનમાં છે,
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને.

હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને.

થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી,
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને.

હાથમાં આવી ગયું’તું એમનું આખું જીવન,
હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને.

આ સતત અવગણના એની મહેરબાની છે, ‘મરીઝ’,
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.

taintedsong.com taintedsong.com taintedsong.com

એવો કોઈ દિલદાર – મરીઝ

January 28th, 2008 3 comments

આલ્બમ: આભુષણ
સ્વર: અનુરાધા પૌંડવાલ

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

taintedsong.com taintedsong.com taintedsong.com