સ્વરકાર: શૌનક પંડ્યા
સ્વર: શૌનક પંડ્યા
નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે,
આંસુની પૂર્વભૂમિકા અરમાન હોય છે.
તેઓ સુખી છે જેમને બીજાના દુઃખ મહીં,
દુઃખી થવાનું દોહ્યલું વરદાન હોય છે.
મિત્રો જો શત્રુ નહિ બને તો એ કરેય શું ?
દુશ્મન ઉપર તમારું વધું ધ્યાન હોય છે!
હાથે કરીને ગુંચવ્યું છે કોકડું તમે,
નહિતર તો જીવવું ઘણું આસાન હોય છે.
ઝઘડો કરીને થાકી ગયાં ચંદ્ર ને નિશા,
ઝાકળનાં બુંદ રૂપે સમાધાન હોય છે.