સ્વરાંકન / સ્વર: શૌનક પંડ્યા
તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે
કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે.
પ્રેમનો દરિયો ઉછળે એવો જોજન જોજન પૂર
હોય પાસ તું, બ્રહ્મ બ્રહ્માંડો લાગતા મને દૂર
સાવ રે ખાલી મન તારાથી ઉભરે છે ભરપુર
સાવ રે ખાલી મનમાં જાણે કોઈ કવિતા રમે.
તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે..
પાસ પાસે હોય સૌ અવાજો ટહુકા તારા શોધું
બારણે નહીં થાય ટકોરા, પગલાં તારા શોધું
હોય ભલે ને નીંદર મારી શમણા તારા શોધું
હોય ભલે ને સાવ નિરવતા દિલની વ્યથા શમે
તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે..
સ્વરાંકન / સ્વર: શૌનક પંડ્યા
તમારી એ આંખોની હરકત નથી ને ?
ફરી આ નવી કોઈ આફત નથી ને ?
વહેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?
વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચે જ પર્વત નથી ને ?
તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?
સ્વરાંકન/સ્વર: શૌનક પંડ્યા
નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે,
આંસુની પૂર્વભૂમિકા અરમાન હોય છે.
તેઓ સુખી છે જેમને બીજાના દુઃખ મહીં,
દુઃખી થવાનું દોહ્યલું વરદાન હોય છે.
મિત્રો જો શત્રુ નહિ બને તો એ કરેય શું ?
દુશ્મન ઉપર તમારું વધું ધ્યાન હોય છે!
હાથે કરીને ગુંચવ્યું છે કોકડું તમે,
નહિતર તો જીવવું ઘણું આસાન હોય છે.
ઝઘડો કરીને થાકી ગયાં ચંદ્ર ને નિશા,
ઝાકળનાં બુંદ રૂપે સમાધાન હોય છે.
મિત્રો,
આજે વાત કરવી છે એક બાળ પ્રતિભાની. દુનિયાનાં સૌથી નાની વયનાં સંગીત કમ્પોઝર રીશીત ઝવેરી! સુરતમાં રહેતા ૧૭ વર્ષનાં રીશીત ઝવેરી લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ ના Youngest Music Composer of India 2006 – 2007 નાં વિજેતા છે. તેમણે હમણાં જ ૧૨ સાયન્સની પરીક્ષા આપી છે અને પોતાનાં ઘરમાં જ બનાવેલા સ્ટુડીઓમાંથી અત્યાર સુધીમાં ત્રણ આલ્બમ (આભનો એક જ મલક, તાનપુરા મિલા રહા હૈ કોઈ અને જૈન સ્તવન શ્રી પાર્શ્વ સ્તવનાવલી) બહાર પાડી ચુક્યા છે. આલ્બમ ‘આભનો એક જ મલક’નાં બધાં જ ગીતો કર્ણપ્રીય સંગીત સાથે સુંદર રીતે ગવાયેલા છે. સાંભળીએ એજ આલ્બમનું ટાઈટલ સોંગ. સાથે જ રીશીતને ઉજ્જ્વળ ભવિષ્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ. આપ તેમનો rrjhaveri_sdrs@hotmail.com પર સંપર્ક કરી શકો છો.

(રીશીત ઝવેરીનાં આલ્બ્મ 'આભનો એક જ મલક'નાં વિમોચન કરતા રૂપીનભાઈ પચ્ચીગર, રીશીત અને કવિ નયન દેસાઈ)
સ્વર: શૌનક પંડ્યા
સ્વરાંકન: રીશીત ઝવેરી
સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક;
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.
આપણે એક જ ઝાડની જાણે જુદી જુદી ડાળી,
ફૂલની ઝીણા પાનની આડે તડકો રચે જાળી;
અંધારાની પડખે રમે અજવાળું અઢળક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.
રામજી મારા બોરમાં વસી શબરી કેરી ભુખ,
વાંસળી અને સૂરની વચ્ચે જોઈએ એક જ ફુંક;
વ્રજમાં વૈકુંઠ રમતું રહે જો શ્યામની મળે ઝલક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.
———————————————–
રીશીતનું અન્ય એક ગીત સાંભળો: એક કાચી સોપારીનો કટકો રે – વિનોદ જોશી
સ્વરાંકન: સુનિલ રેવાર
સ્વર: શૌનક પંડ્યા
પ્રિયે મને ના છેડ,
નયન ઇશારે ઇજન દઇને
પ્રિયે મને ના તેડ!
કોયલ ગાતી વનવગડામાં
છાની માની ગીત,
પગરવનો સંચાર થતો ત્યાં
બની જતી લજ્જિત.
પ્રિયે મને ના છેડ..
પ્રેમ કુમુદ તો રમવા કાજે
રવિ કિરણ ના ચહાય,
શશિ પર કરતા કોમળ સ્પર્શે
હસી હસી છલકાય.
પ્રિયે મને ના છેડ..
ડૉ. વિવેક મનહર ટેલર, ગુજરાતી બ્લૉગ જગતનું ખુબ જાણીતું નામ. સદાબહાર કવિ અને એટલા જ ઉમદા માણસ. તેમનાં પરિચયમાં વધુ કંઈ કહેવાનું રેહતું નથી. માણીએ તેમની જ એક સુંદર ગઝલ.
સ્વર/સ્વરાંકન: શૌનક પંડ્યા
એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.
લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,
જો, નિશા અડબંગ છે મારી ભીતર.
ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયનાઓ દંગ છે મારી ભીતર.
હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.
શ્વાસ નશ્વર, થઈ ગયાં ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.
બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!
———————————
સાભાર: શબ્દો છે શ્વાસ મારા