જરા અંધાર નાબુદીનો – શોભિત દેસાઈ

આલ્બમ: સમન્વય ૨૦૦૫

સ્વરકાર: આશિત દેસાઈ

સ્વર: આલાપ દેસાઈ



જરા અંધાર નાબુદીનો દસ્તાવેજ લઈ આવ્યો,
અરે લો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો.

તમે છો એવો ભ્રમ ફિક્કો ન લાગે એટલા માટે,
તમારી શક્યતામાં બસ હું થોડો વેજ લઈ આવ્યો.

હતી મરમર છતાં પર્ણો અનુભવતા એકલતાં,
પવન જઈ રાતરાણીથી મહેકની સેજ લઈ આવ્યો.

પ્રથમ ટપકું શું છાતીમાં પછી તો મેઘધનુષ આખું,
તમે જે રંગ પૂર્યાં લોહીમાં હું એજ લઈ આવ્યો.