ન તો કંપ છે ધરાનો – ગની દહીંવાલા

આલ્બમ: સમન્વય ૨૦૧૦

સ્વરકાર: પંકજ ઉધાસ

સ્વર: પંકજ ઉધાસ



“જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીઓ,
કાં પ્રિયા, કાં યાર, બીદ્ધિમાનની સાથે પીઓ,
ખુબ પી ચકચૂર થઈ જગનો તમાશો ના બનો,
કમ પીઓ, છાની પીઓ પણ ભાનની સાથે પીઓ”
– શૂન્ય પાલનપુરી

ન તો કંપ છે ધરાનો ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો હું કશુંક પી ગયો છું.

હતો હુંય સૂર્ય કિન્તુ ના હતી તમારી છાયા,
કઈ વાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જીવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

‘ગની’ પર્વતોની સામે આ શીશ અણનમ
તારી પાપણો ઢાળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું.