હતી રાત થોડી અને વેશ ઝાઝાં – રવિ ઉપાધ્યાય

સ્વર: આશિત દેસાઈ



હતી રાત થોડી અને વેશ ઝાઝાં,
ત્યાં કરવી પડી એ સ્થિતિમાં ઉતાવળ;
ભૂલેલાં જૂઠાં રાહથી પાછો વળવાં,
હું લાવ્યો ‘તો મારી ગતિમાં ઉતાવળ…

જીવનભરનાં ગુન્હાં કબૂલીને જેમાં,
લખ્યોતો તને પત્ર મેં ખૂબ લાંબો;
ઘડી અંતની આવી ગઇ ને થઇ છે,
લિખિતંગની છેલ્લી લીટીમાં ઉતાવળ…
ન સીતાહરણ થાત, ના થાત મૃત્યુ
લંકાપતીનું, શ્રીરાઘવનાં હાથે;
કાંચનનો મૃગ જોઇ મોહી જવામાં
જો થાતી નાં સીતા સતીમાં ઉતાવળ…

મજા મસ્ત મહેફીલની માણવાંને ,
નિમંત્ર્યા’તા મિત્રો મેં વીણી વીણીને;
નિહાળીને વર્તન હું પસ્તાઇ બેઠો,
થતું, મેં કરી દોસ્તીમાં ઉતાવળ…

હજું જીવવુંને જીરવવું’તું બાકી,
હજું કાવ્યનાં ખૂબ કરવાં’તા સર્જન;
પરંતું ‘રવિ’ની જરુરત પ્રભુને,
જે કીધી મરણની તિથિમાં ઉતાવળ….