જાગીને જોઉંતો – નરસિંહ મહેતા

સ્વર: ચિત્રા શરદ



સંગીત: દીપેશ દેસાઈ

જાગીને જોઉંતો, જગત દીસે નહીં,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્દરૂપ છે,
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.

પંચમહાભૂત પરિબ્રહ્મ વિષે ઉપજ્યા
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી
ફૂલ અને ફળ તે તો વૃક્ષના જાણવા
થડ થકી ડાળ તે નહીં રે અળગી

વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે
કનક કુંડળ વિષે ભેદ ન્હોયે
ઘાટ ઘડિયા પછી, નામ રૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે..

જીવ ને શિવ તો આપ ઈચ્છાએ થયા
રચી પરપંચ ચૌદ લોક કીધા
ભણે નરસૈયો ‘તે જ તું’, ‘તે જ તું’,
એને સ્મર્યાથી કંઈ સંત સીધ્યા..