તમે બધાથી અલગ છો – ગૌરાંગ ઠાકર

આલ્બમ: સાયુજ્ય

સ્વરકાર: અમર ભટ્ટ

સ્વર: અમર ભટ્ટ



તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું,
ગુલાબ લઈને તમે મળો તો મહેંકની લ્યો દુકાન રાખું.

કશુંક કરી જવું છે, કદાચ કાલે જવાનું થાશે,
તમારા ઘરના દીવાને માટે હવાને આજે હું બાન રાખું.

ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો, હજીય ડાળી ઝૂલી રહી છે,
મને થયું કે આ પાનખરમાં બને તો થોડાં હું પાન રાખું.

હું કૈંક યુગોથી છું સફરમાં, અહીં હું કેવળ પડાવ પર છું,
મેં ખોળિયાને કહી દીધું છે હું તારું ભાડે મકાન રાખું.