આલ્બમ: આસ્થા

સ્વરકાર: ગૌરાંગ વ્યાસ

સ્વર: કલ્યાણી કવઠાલકર



સરવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આ રામ.

વડલા નીચે ઝૂંપડી એની, નહીં માત નહીં બંધુ-બેની,
એકલડી એક ધ્યાને બેઠી ગાંડી કહે છે ગામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આ રામ.

ઋષિનાં વચનો હૈયે રાખી, દૂર દૂર નજરો ઘણી નાખી,
ફળ-ફૂલ લાવે, ભોગ ધરાવે, કરતી એનું કામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આ રામ.

માસ દિવસ ને વર્ષો ગયાં, શબરીબાઈ તો ઘરડાં થયા,
એક ઝગમગે આશા જોતી, સૂક્યા હાડ ને ચામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આ રામ.

આજે વનમાં વેણુ વાગે, વસંત સેના નીકળી લાગે,
શીતળ મંદ સુગંધી વાયુ વાતો ઠામો ઠામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આ રામ.

આજ પધાર્યાં શબરીનાં સ્વામી, ધન્યતા આજે ભીલડી પામી,
આશાવેલી પાંગરી એની, મનડું થયું વિરામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આ રામ.
——————————————-
ફરમાઈશ કરનાર મિત્ર: ચાંદસૂરજ