મારા હૈયામાં હેતનો ઉછાળો – તુષાર શુક્લ

આલ્બમ: મોસમ પ્રેમની

સ્વર: દીપ્તિ દેસાઈ



મારા હૈયામાં હેતનો ઉછાળો,
વાલમ સમજે ના આંખનો ઉલાળો;
એને કેમ કરી સમજાવું મારે,
હાલ સંગાથે ગુંથીએ માળો.

આંખના ઈશારામાં સમજે ના કંઈ,
મને બોલવામાં લાગે શરમ,
હૈયાથી હોઠ લગી મારગ કપાય નહીં,
સમજે ના વાતનો મરમ,
સાવ સુની છે દલડાની ડાળો..
હાલ સંગાથે ગુંથીએ માળો..

ઓઠણીને આભલાથી ચાંદરડું પાડું,
મારા વાલમનાં ઓરડાની ભીંતે,
ચાંદરડું ઝાલવાને લંબાતો હાથ,
મને ઘેલી કરી છે એની પ્રિતે,
હું તો સથવારો ઝંખુ હુંફાળો..
હાલ સંગાથે ગુંથીએ માળો..