ધારો કે એક સાંજ આપણે મળ્યાં – જગદીશ જોષી

આલ્બમ: આંખે કંકુના સુરજ આથમ્યા



ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?

ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સહેજ મ્હોરી ઉઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?