સ્વરાંકન: પરેશ ભટ્ટ
સ્વર: શિવાંગી દેસાઈ
કોઈના અણસારે તમે દૂર જઈ બેઠા
હવે પાસે આવો તો મારી આણ છે
તમને તો ઠીક જાણે છબછબીયા વ્હેણમાં
પણ ઊંડા વમળાય એ આ પ્રાણ છે.
કોઈના હલેસાંથી વ્હેણના કપાય
નહીં માપ્યા મપાય વ્હેણ પ્યારના
દરિયાને નાથવાની લ્હાયમાં ને લ્હાયમાં
કાંઠા તણાઈ ગયા ક્યારના
સઢ નાલી રાખી હવે બાંધી છે નાવ
એની વાયરાને થોડી તો જાણ છે.
લીલીછમ વાડીમાં ગોફણના ઘાવ
હવે ઠાલા હોંકારા હવે ઠાલા
પંખી તો ટાઢકથી ચુગે છે આમ તેમ
ઉડે છે ચાડીયાના માળા
વેલને તાણો તો સમજીને તાણજો
આસપાસ થડનીયે તાણ છે.
સ્વરાંકન: દક્ષેશ ધ્રુવ
સ્વર: આશિત દેસાઈ
આ તો બીજમાંથી ફૂટી છે ડાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.
આખુંયે આભ મારી આંખોમાં જાગે
લઇ પંખીના સૂરની સુવાસ,
તૃણે તૃણમાં ફરકે છે પીછાંનો સ્પર્શ
અહીં ઝાકળનો ભીનો ઉજાસ.
એક એક બિંદુમાં સમુંદરની ફાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.
સળવળતી કળીઓમાં રાધાની વેદના
ને ખીલેલા ફૂલમાં છે શ્યામ,
ડાળીએથી ડોકાતા તડકામાં જોઈ લીધી
ક્યાંક મારી લાગણી લલામ.
પળ પળનાં પોપચામાં મરકે ત્રિકાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.
સ્વરાંકન: દક્ષેશ ધ્રુવ
સ્વર: આલાપ દેસાઈ, સોલી કાપડિયા
અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહીં.
બારી ખોલો ને બારણાં તો બંધ,
છલકાયે નહીં એ તો કેવો ઉમંગ.
માટીમાં મહેંક છે, ગારો નહીં રે.
અમને પાગલને..
જળની આ માયા મેં છોડી નહીં,
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં.
હું તો મારો નહીં ને હું તો તારો નહીં રે.
અમને પાગલને..
સ્વર: હેમા દેસાઈ
અણગમતું આયખું લઈ લ્યોને, નાથ!
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો.
ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
અર્જુનનો મત્સ્યવેધ આપો.
મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ :
ફરફરવા લાગે આ સાત-સાત
જન્મોના તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
કાયમની કેદ એક આપો !
આલ્બમ: પ્રેમ એટલે કે
સ્વર: સોલી કાપડીઆ
વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી.
આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો.
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી.
હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી.
મને આપો ઉછીનું સુખ થોડું
હજીય એ ના દે થઇ ગયું મોડું
અમને આપી છે એવી બાવળની ડાળ
કે ફૂલ કદી ખીલ્યા નહી
અમને સબંધો વળી આપ્યા રેતાળ
કે નીર કદી જીલ્યાં નહી
હું તો હરણાની પ્યાસ લઈ દોડું
મને આપો ઉછીનું સુખ થોડું
ટહુકા આપ્યા ને પાછાં પીછાં આપ્યા
ને પછી સામે આ ખડકી દિવાલ
ઉડે છે ધૂળનાં રે વાદળ ને
આસપાસ પારધીએ પાથરી છે જાળ
બંધ આંખે ઉજાગરાને ઓઠું
મને આપો ઉછીનું સુખ થોડું
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સહેજ મ્હોરી ઉઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.