વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે? – કમલેશ સોનાવાલા

આલ્બમ: સંજીવન

સ્વર: અલ્કા યાજ્ઞીક



વહેલી સવારે હું તો ભીની થઈ,
બની ઝાકળ તું ક્યાં ક્યાં અડકે.
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

ભીની તરબોળ થઈ પાલવ નીચોવતાં,
નૈનોનાં નીર બની ટપકે.
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

કૂવે ગઈ’તી હું પાણીડા ભરવા,
ગાગરનાં જળમાં તું છલકે.
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

બળબળતા તાપમાં રણમાં ખોવાણી હું,
મૃગજળનું ટીપું થઈ ચમકે.
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

સાજનની વાટ જોઈ ચોમાસા વીતે,
એની યાદો તો રોજ રોજ વરસે.
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?

શ્યામ તણો રંગ લઈ મેઘમાં છૂપાયો તું,
રાધા સંગ રાસ રમી મલકે,
વરસાદ તું ક્યાંયે ના કેમ આજે વરસે?