પાંદડું ખર્યું ને – ભાસ્કર વોરા

આલ્બમ: સમન્વય ૨૦૦૮

સ્વરકાર: આશિત દેસાઈ

સ્વર: આલાપ દેસાઈ



પાંદડું ખર્યું ને ઝાડ રહ રહ રૂએ,
જુએ આખો વગડો ને વન,
તોય એનાં આસુંડા કોઈ ના લુએ.

એક એક પાંદડે સૂરજ ને ચંદરના
રમતાં’તા તેજ અને છાયા;
લીલા અનોખી ને ઘાટ રે અનોખો
એની વળગી’તી લીલુડી માયા.
એની માયાનાં મોલ મુંગા મુરઝાતા જાયને
ભીતરનું ભાનસાન ખુએ. પાંદડું ખર્યું ને..

પીળું ખરે તો એનો રંજ
આતો કુંપળને આંબી ગઈ આંધી
કુણેરા કોડ ઓલા કાળમુખી વાયરે
મધરાતે લીધા રે બાંધી
એનાં અથરારે પ્રાણ આજ રે પીંખાતા જાયને
સુસવતી વેદના ચુએ. પાંદડું ખર્યું ને..