સ્વરકાર: રસિકલાલ ભોજક
સ્વર: નીરજ પાઠક
આજ ઘન વરસો ઘનશ્યામ,
રડતી વસુંધરા તરસી પુકારે,
ઘન વરસો ઘનશ્યામ.
મનનું ગગન ગોરું ગોરંભી લીધું,
પ્રીત પ્રલાપોનું ગર્જન કીધું,
તડપાવો શાને અજંપે ઓ ઘનશ્યામ,
ઘન વરસો ઘનશ્યામ.
વરસે વાદલડીના ઘોર અંધારે,
છલકે આંખલડીની અમિયલ ધારે,
પળ-પળ અંતર ઝંખે ઓ ઘનશ્યામ,
ઘન વરસો ઘનશ્યામ.
સ્વરાંકન: આશિત દેસાઈ
પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વર: આરતી મુનશી અને વૃંદ
મુખ પર મલકાયું ગોકુળિયું ગામ ને મનમાં મથુરાના મ્હેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પ્રીત નાં જગાડીએ!
જમુનાનાં જળ હવે મૃગજળ-શાં લાગે ને નંદનવન રેતીનું રણ,
પૂનમને ઘેરી અમાસ હવે ડંખતી આ એક એક જીવનના કણ!
આ બાજુ કણકણમાં લીલા દેખાડો ને એ બાજુ મથુરાની સ્હેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પંડ ના પુગાડીએ!
મુરલીના સૂર હવે કાંટા-શા વાગે ને કુંજગલી કાંટાળી વાડ,
લીલુડા લ્હેરિયાના લીરા જો ઊડતા ને ઊડતા લાખેણા લાડ!
લાડ કરી આ બાજુ અમને ડોલાવો ને એ બાજુ મથુરાની ઢેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે ઢોલ ના વગાડીએ!
સ્વર: નયન પંચોલી
સખી મધરાતે એકવાર મીરાં આવી’તી
મારા મનનાં મંદિરીયામાં રહેવા.
સપના ઢંઢોળી મુને માધવની વાતડી
એ હળું હળું લાગી’તી કહેવા.
ગોકુલ મથુરાને દ્વારિકાની રાજ એણે
હસી હસી દીધી’તી હાથમાં,
મુરલીના સૂર ગુંથી તુલસીની માળા
એણે પહેરાવી લીધી’તી બાથમાં.
એની રે હુંફમાં એક જોકું આવ્યું ને
એમ આંસુ ઝર્યા’તા અમી જેવા.
સખી મધરાતે એકવાર..
ગોરસ ગીતાના એણે એવા રે પાયા,
મારી ભવ ભવની તરસ્યું છીપાણી,
ભાગવા તે રંગે હું એવી ભીંજાણી
મારાં રૂંવે રૂંવે મીરાં રંગાણી.
ભગવની છોળ ધરી મીરાની વાત
હું તો ઘેર ઘેર ઘુમતી રે કહેવા.
સખી મધરાતે એકવાર..
સ્વર: પાર્થિવ ગોહિલ
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
હૈયાને દરબાર વણથંભી વાગે કોઈ સિતાર
કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયા આજ ડોલાવે?
અકળિત આશાને પગથાર.
વણથંભી વાગે કોઇ સિતાર..
કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયા આજ નચાવે?
પળપળ પ્રીતિના પલકાર.
વણથંભી વાગે કોઇ સિતાર..
સ્વર: આલાપ દેસાઈ
સ્વરાંકન: આશિત દેસાઈ
પાંદડું ખર્યું ને ઝાડ રહ રહ રૂએ,
જુએ આખો વગડો ને વન,
તોય એનાં આસુંડા કોઈ ના લુએ.
એક એક પાંદડે સૂરજ ને ચંદરના
રમતાં’તા તેજ અને છાયા;
લીલા અનોખી ને ઘાટ રે અનોખો
એની વળગી’તી લીલુડી માયા.
એની માયાનાં મોલ મુંગા મુરઝાતા જાયને
ભીતરનું ભાનસાન ખુએ. પાંદડું ખર્યું ને..
પીળું ખરે તો એનો રંજ
આતો કુંપળને આંબી ગઈ આંધી
કુણેરા કોડ ઓલા કાળમુખી વાયરે
મધરાતે લીધા રે બાંધી
એનાં અથરારે પ્રાણ આજ રે પીંખાતા જાયને
સુસવતી વેદના ચુએ. પાંદડું ખર્યું ને..
પિયુ મારો લીલો લજામણીનો છોડ,
અડકું અડકું ત્યાં તો અણિયાળી આંખ્યુંમાં રે
શરમું ના ફુટે પરોઢ..
વ્હાલપના વેણ બે બોલું બોલું ત્યાં તો
અવળું એ મુખ કરી લેતો,
ઘેનના રે ઘુમ્મટમાં ઘેરી વળું ત્યાં તો
ના રે કહેવાનું કહી દેતો,
એને જોઈ જોઈ કુણા આ કાળજડામાં
જાગે કેસરિયા કોડ..
લીલીછમ લાગણીની વેલ જરા ધીરેથી
ઊંચી કરીને એને વીંટું,
સાગ તણા સોટા પર ઊઘડતું ફૂલ જેવું
ફૂલ હજી ક્યાંય ના દીઠું,
એને મોહી મોહી બાંધ્યો મેં માહ્યરામાં
મનના મિલનનો મોડ..