સ્વરાંકન: એફ. આર. છીપા
સંગીત: અમીત ઠક્કર
સ્વર: નયન પંચોલી
સાંજ પડીને ઘેર જવા હું સાથ રહ્યો તો ખોળી
દીઠી મેં ત્યાં આવતી સામે બાળા એક ભોળી
દીઠાં તેના નેણ સુહાગી, સુહાગી નેણ તેના
ધીમે રહીને પૂછ્યું તેને કોની કહે તું બહેના
લજામણીના છોડ સમીપે નમણી નાજુક વેલ
બોલ સુણીને આંખ ઢાળી તે આંખ તે ના મેલી
સાંજ પડીને ઘેર જવા હું..
કાળા કાળા કેશ તારા, કેશ કાળા કાળા
દિન સાથે બેસી રજનીએ ગૂંથ્યા ક્યારે બાળા
ગૌર ભરેલા બાળાને તેને ગોરા મુગ્ધ ગાલે
નાનકડા બે ગુલાબ ખીલ્યા, ઉષા ખીલી કંઈ ભાલે
સાંજ પડી ને ઘેર જવા હું..
અસ્થિર ડગલા ભરિયા આગળ, ડગ ભરિયા મેં ચાર
ઉંચી નીચી થતી મેં તેને હૈયે દીઠી માળ
છાનીમાની શરમાતી ત્યાં આવી રાત કાળી
હૈયે મારે ઢળી રહી મેં આતુર આંખ ભાળી
સાંજ પડી ને ઘેર જવા હું..
વેણી માટે ફૂલ ગૂંથ્યા મેં, ફૂલ ગૂંથ્યા મેં સાત
કાંઠે મારે રહ્યા વીંટાયી નાજુક એ બે હાથ.
સ્વર: નયન પંચોલી
હાજર હાથ વાળા,
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા,
કોઈના ભંડાર ભરેલા, કોઈના ઠામ ઠાલા.
તરણા ઓથે ડુંગર જેવો દેવ તારો પડછાયો
આ દાનવમય થાતી દુનિયામાં તું ક્યાંય ના વર્તાયો
ઠેર ઠેર વેરઝેર, થાતા કામ કાળાં.
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા..
સતની ચાલે ચાલે એને દુ:ખના ડુંગર માથે
જૂઠને મારગ જાનારાને ધનનો ઢગલો હાથે
સાંઈ તો ન પામે પાઈ, દંભી ને દુશાલા
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા..
નાનું સરખું મંદિર તારું થઈ બેઠું દુકાન
પુકારે પંડિત પુજારી કોઈ લઈ લ્યો રે ભગવાન
નિર્ધન ને ધન દેજે ભગવન મુઠી પુંજીવાળા
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા..
સ્વરાંકન / સ્વર: નયન પંચોલી
પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું,
જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું.
વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી
છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
રાતો પસાર હું જેમ-તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
ભૂલીને ઘાટ જૂજવા એકાંતની ક્ષણે,
ઓગાળી એને હેમનું હું હેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
——————————————
સાભાર: નયનભાઈ પંચોલી
સ્વરાંકન: દિલીપ ધોળકિયા
સ્વર: નયન પંચોલી
આમ સંકોચાય છે એ કોણ છે?
કટકા કટકા થાય છે એ કોણ છે?
પૂછવા ક્યાં જાય છે એ કોણ છે?
એને પૂછતાં શું થાય છે એ કોણ છે?
પૂછીએ ક્યાં ચાલ સ્પર્શી જોઈએ,
સ્પર્શથી ગભરાય છે એ કોણ છે?
પ્રેમથી જે પાય છે પી જાવું છું,
રામ જાણી પાય છે એ કોણ છે?
એજ છે નિશંક ‘ઘાયલ’ એજ છે,
ઝૂમતા જે જાય છે એ કોણ છે?
સ્વર: નયન પંચોલી, ગાર્ગી વોરા
ઘનશ્યામ ગગનમાં ટમટમ તારા ટમકી
રે મનની આ વાત અચાનક મલકી.
મનનું મારું માનસરોવર આવ આવ ઓ હંસી,
ઘટગુબંજમાં બજે સુમંજુલ સુખ વ્યાકુળ સ્વર બંસી,
સુમિરન જાગત ઝબકી ઝબકી,
રે આ વાત અચાનક મલકી..
પવન લહર આ પ્રીત બાંવરી, નાચત હલકી હલકી
નિશિગંધાની સોડ તજીને મઘમઘ સોડમ પ્રગટી,
ભરભર મિલન ગીતની વટકી,
રે આ વાત અચાનક મલકી..
સ્વર: નયન પંચોલી
એક છોકરી છોકરાને કાગળ લખે,
અષાઢી વેલેરા વાદળ લખે.
હોય હોય ને બીજું કાગળમાં હોય શું?
તારા વિના ત્યાં ગમતું નથી.
આંખોમાં આવેલું આંસુનું પૂર
કેમે કરીને હવે શમતું નથી.
કાળા ભમ્મર એ કાજળ લખે,
એક છોકરી છોકરાને કાગળ લખે..
કાં’તો લઈ જા મને, નહીતો તું આવ,
આમ જુદા રેહવાની વાત સારી નથી.
તારી સાથે જો રહેવાનું હોય તો
દુનિયા કદીયે નઠારી નથી.
શૈયા હૈયાની વાત પાગલ લખે,
એક છોકરી છોકરાને કાગળ લખે..
સ્વરાંકન / સ્વર: નયન પંચોલી
હું મૌન રહીને એક અનાહત નાદ ગજવી જાણું છું,
ભાર નિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.
મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું,
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.
કોઈ ધરમ નથી ને કર્મ નથી, કોઈ જ્ઞાન નથી અજ્ઞાન નથી,
તું બુદ્ધિ છોડી બેસત હું સહુ ભેદ બતાવી જાણું છું.
આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સહેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી આકાશ ઉઠાવી જાણું છું.
સ્વર: નયન પંચોલી
સખી મધરાતે એકવાર મીરાં આવી’તી
મારા મનનાં મંદિરીયામાં રહેવા.
સપના ઢંઢોળી મુને માધવની વાતડી
એ હળું હળું લાગી’તી કહેવા.
ગોકુલ મથુરાને દ્વારિકાની રાજ એણે
હસી હસી દીધી’તી હાથમાં,
મુરલીના સૂર ગુંથી તુલસીની માળા
એણે પહેરાવી લીધી’તી બાથમાં.
એની રે હુંફમાં એક જોકું આવ્યું ને
એમ આંસુ ઝર્યા’તા અમી જેવા.
સખી મધરાતે એકવાર..
ગોરસ ગીતાના એણે એવા રે પાયા,
મારી ભવ ભવની તરસ્યું છીપાણી,
ભાગવા તે રંગે હું એવી ભીંજાણી
મારાં રૂંવે રૂંવે મીરાં રંગાણી.
ભગવની છોળ ધરી મીરાની વાત
હું તો ઘેર ઘેર ઘુમતી રે કહેવા.
સખી મધરાતે એકવાર..