સ્વરાંકન: આશિત દેસાઈ
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
સાંજ પહેલાની સાંજ ઢળી છે શ્યામ હવે તો જાગો
તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો.
મોરપિંછ મબલખ તડકો સાવ સુંવાળો લાગે
તડકો પણ આ સંગ તમારી માખણ જેવો લાગે
તમે અમારી જેમ શ્યામ, સંગ અમારો માગો.
તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો.
વૃંદાવનમાં હરશું ફરશું, ગાશું ગીત અનેરા,
કોઈ વૃક્ષની છાંય પછી તો ગિરિધર મેરો મેરો
શ્યામ તમારી સંગ અમારો જનમ જનમનો લાગો
તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો.
સ્વરાંકન: અમર ભટ્ટ
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
મન માને તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.
આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહી રોકાશે?
લ્યો ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે.
ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે તેડો,
કોઈ દન અહીં થઈ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો,
બે ઘડી રોકાઈ જાજ્યો રે.
મૂકી ગયા જે પગલાં,
તેની ધડાકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક,
અમો તો હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે.
સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
છલ છલ છલ ઓરે જમુનાના જળ
જઈને કહો સવારીયાને
એક ઝંખે ગોપી પલ પલ પલ.
એના ગૂંથે નહીં એ ફૂલડે કેશ,
એની આંખડીએ નાં આંજે મેંશ,
એનો મલીન થયો કઈ રઝળી વેશ,
તોય ચરણો કહે એને ચલ ચલ ચલ.
છલ છલ છલ ઓરે જમુનાના જળ.
આ એજ કદંબની છાયા
જ્યાં બંસી સ્વર રેલાયા,
લાગી મનમોહનની માયા
ખીલ્યા પ્રાણ પુષ્પના રે દલ દલ દલ
છલ છલ છલ ઓરે જમુનાના જળ.
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
મેં તો ચાંદલો કર્યો છે તારા નામનો,
ન્હોતું પૂછ્યું તને છે કિયા ગામનો.
તારી આંખોમાં તેજ કૈક એવું જોયું
અંજાઈ ગઈ મારી આંખો,
સાચું કહું તો મને તારા સિવાય હવે
લાગે મલક સૌ ઝાંખો.
તને પામ્યા પછી મને લાગ્યો ન ભાર
ક્યારેય કોઈ સંતાપનો.
મેં તો ચાંદલો કર્યો છે…
તારી એ વાંસળીમાં એવું કેવું જાદુ,
તને મળવાની ઈચ્છાઓ જાગે.
યમુના, કદંબવૃક્ષ, મોરપિચ્છ મને
વ્હાલા વ્હાલા વ્હાલા બહુ લાગે.
રમતા ગોવાળિયાઓ સાથે રહીને
તું પર્વત ગોવર્ધન ઉપાડતો.
મેં તો ચાંદલો કર્યો છે…
સ્વર: પાર્થિવ ગોહિલ
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
હૈયાને દરબાર વણથંભી વાગે કોઈ સિતાર
કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયા આજ ડોલાવે?
અકળિત આશાને પગથાર.
વણથંભી વાગે કોઇ સિતાર..
કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયા આજ નચાવે?
પળપળ પ્રીતિના પલકાર.
વણથંભી વાગે કોઇ સિતાર..
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.
તારા તે કાળજાને કેસુડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ;
રોમ આ રંગાય મારુ તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ.
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.
આજ મારા હૈયામાં..
મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત;
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ.
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.
આજ મારા હૈયામાં..
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે
અરધી રાતે દર્શન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે
તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે
શ્યામ શ્યામનો સરજ માથે, મીરાં સૂરજમુખી રે
કાળી રાતનો કંબલ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે
સ્વરાંકન: આશિત દેસાઈ
સ્વર: અશ્વૈર્યા મજમુદાર
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.
ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.
————————————-
આભાર: લયસ્તરો
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
શ્યામ તને હું સાચ્ચે કહું છું, માન મલાજો લોપી;
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.
જાણીતી ને તોય અજાણી, એક યમુના વહ્યા કરે,
એક વાંસળી મોરપીંછની મૂંગી મૂંગી સહ્યા કરે;
સૂર શબ્દની સીમાએથી આંખ આંખમાં રોપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.
કીયા જનમનાં કદંબો ઉગ્યાં કીયા જનમની છાયા,
મીરાં ને મોહન મુખડાની અનંત લાગી માયા;
શ્યામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
હે મનાવી લેજો રે..
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે..
મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
એકવાર ગોકૂળ આવો,
માતાજી ને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
વા’લાની મરજીમાં રહેશું,
જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
તમે છો ભક્તોના તારણ,
એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..