સાંજ ઢળતાં જ – રાજેન્દ્ર શુક્લ

આલ્બમ: સાયુજ્ય

સ્વરકાર: અમર ભટ્ટ

સ્વર: અમર ભટ્ટ



સાંજ ઢળતાં જ રોશન થતાં મહેકતાં
હાથ ગજરા, ગળે હાર ઝુલાવતાં,
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતાં.

ઓશીકે એક ઘડિયાળ અટકી પડે
વેળ તો વેળની જેમ વિત્યા કરે,
વાયરા દખ્ખણના તો ગમે તે ક્ષણે
કેસરી કેસરી દ્વાર ખખડાવતાં.

સૌ અભાવો સુરાહી બને જ્યાં કને
જે મળે તે બધા તરબતર નીકળે,
કોઈને કોઈની કંઈ ખબર ના રહે
કોણ છલકી જતાં કોણ છલકાવતાં.