આલ્બમ: આસ્થા

સ્વર: પાર્થિવ ગોહિલ



કાયાને સરનામે આવ્યા હરિનાં કાગળીયા,
તેડાવે તને તારો શ્યામ..
ઊડી જા ઊડી જા પ્રાણનાં પારેવડાં,
પારકા મલકમાં હવે તારે રહેવાનું શું કામ..

એક જ ફૂંકની ઉપજ-નીપજ આ એકજ ફૂંકનું સર્જન,
આંખ ઉઘાડી મીંચો ત્યાંતો સર્જનનું વિસર્જન,
હે.. આવન-જાવન કરે કાફલો સદા આમને આમ..
ઊડી જા ઊડી જા…

સોના જેવા સોનાની પણ પત્થર કરે કસોટી,
એક જ પળમાં વિંધાઈ જતું મોતી જેવું મોતી,
હે.. હવે છેટું નથી રે તારું ગામ..
ઊડી જા ઊડી જા…

મૃગજળનાં જળ પી પી ને તરસ્યું છીપાવી જાણી,
દુનિયાનાં દાવાનળમાં જાત જલાવી જાણી,
કંટકછાયી કેડી માથે કાયાને ચલાવી જાણી,
કોઈનું કલંક માથે લઈને આબરૂ અભડાવી જાણી,
હે.. જીવડા તારી વાટડી જુવે તારો આતમ રામ..
ઊડી જા ઊડી જા…