આલ્બમ: અણમોલ
સ્વર: મનહર ઉધાસ
હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું,
કે દર્પણ તોડી-ફોડીને તને મળવા નહીં આવું.
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું.
કહે તો મારું આ માથું મૂકી લાવું હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહીં આવું.
ટકોરા દઈશ પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહીં આવું.