આલ્બમ: મેઘધનુષ



વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાંને સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પડી,
અરરર… માડી !

એક બિલાડી જાડી
એણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં એ તરવા ગઈ
તળાવમાં તો મગ્ગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીછેડો છૂટી ગયો
મગ્ગરના મોં માં આવી ગયો
મગ્ગર બિલ્લીને ખાઈ ગયો

મામાનું ઘર કેટલે?
દીવો બળે એટલે !
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા !
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી.
મોળી મીઠાઈ ભાવે નહીં
રમકડાં કોઈ લાવે નહીં.

દાદાનો ડંગોરો લીધો,
એનો તો મેં ઘોડો કીધો.
ઘોડો કૂદે ઝમ ઝમ !
ઘૂઘરી વાગે ઘમ ઘમ
ધરતી ધ્રૂજે ધમ ધમ !
ધમ ધમ ધરતી થાતી જાય
મારો ઘોડો કૂદતો જાય,
કૂદતાં કૂદતાં આવે કોટ,
કોટ કૂદીને મૂકે દોટ.
સહુના મન મોહી ગયો,
એક ઝવેરી જોઈ રહ્યો,
ઝવેરીએ તો હીરો દીધો,
હીરો મેં રાજાને દીધો.
રાજાએ ઉતાર્યો તાજ,
આપ્યું મને આખું રાજ,
રાજ મેં રૈયતને દીધું,
મોજ કરીને ખાધું પીધું.